મોરબીના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પોલીસ ટીમ દ્વારા બાળમજૂરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં હાઇવે ઉપરના રોડના કામ માટે લેબર કોન્ટ્રાક્ટર દ્વારા સગીર બાળકો પાસે સાફ સફાઈ તેમજ ડામર પાથરવાની મજૂરી કરાવતો હોવાનું સામે આવતા, આરોપી લેબર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં બાળ અને તરૂણ (પ્રતિબંધિત) કાયદા હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, તા.૦૭/૧૦/૨૦૨૫ના રોજ રાત્રે મહેન્દ્રનગર ચોકડીથી મોરબી-કંડલા હાઇવે તરફ જતા નવા બનતા રોડ ઉપર તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, લેબર કોન્ટ્રાક્ટર સુરેશભાઇ રામસિંગભાઇ રાઠોડ રહે. સરોરી રાઠોડ ફળીયુ તા.સંજેલી, જી.દાહોદ પોતાના કામ માટે સગીર વયના બાળકોને મજુર તરીકે કામ પર રાખી તેમની પાસે પથ્થરો હટાવવાનું, રોડ સાફ કરવાની અને ડામરનું કામ કરાવતો હતો. બાળકો પાસેથી આ પ્રકારનું જોખમી મજૂરીનું કામ લેવુ એ બાળ અને તરૂણ (પ્રતિબંધિત) કાયદો, ૧૯૮૬ની કલમ તેમજ જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન) એક્ટ, ૨૦૧૫”ની કલમ હેઠળ ગુનો ગણાય છે. હાલ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પોલીસ ટીમ દ્વારા આરોપી લેબર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે, ત્યારે હાલ આરોપી સ્થળ ઉપર હાજર નહીં મળી આવતા, બી ડિવિઝન પોલીસે આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.