મોરબીના ગૌરક્ષકો દ્વારા ૨૮ અબોલ જીવોને બચાવી લેવાયા
મોરબીના ગૌરક્ષકોને મળેલ બાતમીને આધારે મોરબી-૨ માળીયા ફાટક નજીક અબોલ જીવ ઘેટાઓને ક્રૂરતાપૂર્વક બાંધી લઈ જતી એક અશોક લેલન ગાડી પકડી લેવામાં આવી હતી. જેમાં ૨૮ જેટલા ઘેટાઓને ખીચોખીચ ભરી, ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કર્યા વગર ગેરકાયદેસર રીતે હેરફેર કરતા અશોક લેલનના ચાલક સહિત બે આરોપીઓની બી ડિવિઝન પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના વાવડી ચોકડી કૈલાસપાર્ક-૨ માં રહેતા ગૌરક્ષક મહેશભાઈ ઉર્ફે મનીષભાઈ જેરામભાઈ કંજારીયા ઉવ.૩૨ એ બી ડિવિઝનમાં આરોપી હુસેનશા ઇબ્રાહિમશા શેખ ઉવ.૪૨ તથા વેરશીભાઈ સુજાભાઈ કરોતરા ઉવ.૩૨ રહે.મોખાણા તા. ભુજ જી.કચ્છ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જે ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલ તા.૨૪/૦૭ ના રોજ મોરબી બજરંગ દળ ગૌરક્ષક દ્વારા ફોન કરીને મહેશભાઈની જણાવવામાં આવ્યું કે અશોક લેલન ગાડી રજી.નં. જીજે-૧૨-બીએક્સ-૮૩૨૩માં કચ્છથી ઘેટાં જીવને ઠસોઠસ ભરીને મોરબી તરફ લાવવામાં આવી રહ્યા છે, જે બાતમીને આધારે મહેશભાઈ તેમના ગૌરક્ષક ટીમ સાથે માળીયા ફાટક ઓવરબ્રિઝ ઉતરતા ઉમિયા પરોઠા પાસે વોચમાં હતા, ત્યારે ઉપરોક્ત અશોક લેલન ગાડી આવતા તેને રોકી તેની તલાસી લેતા ગાડીના ઠાઠામાં ૨૮ જેટલા ઘેટાને ક્રૂરતાપૂર્વક બાંધી પાણી કે ઘાસચારાની વ્યવસ્થા કર્યા વગર ગેરકાયદેસર હેરાફેરી કરતા મળી આવ્યા હતા, જેથી તુરંત અશોક લેલન ગાડી, ગાડી ચાલક તથા તેની સાથેના એમ બન્ને મોરબી બી ડિવિઝન પોલીસ નાથકમાં સોંપવામાં આવ્યા હતા, હાલ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.