મોરબીમાં સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં બેન્ક એકાઉન્ટ મારફતે ઉપાડી સગેવગે કરવાની પ્રવૃતિનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોરબીમાં ચાર નામજોગ સહિત તપાસમાં ખુલનાર આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ અનુસાર, આરોપી રવિભાઇ ગઢવી રહે. મોરબી તથા ગોપાલભાઇ ઉપસરીયા રહે.હાલ મધુપુર તા.જી.મોરબી વાળાએ તેમના સાગરિતો સાથે મળી પૂર્વ આયોજનબદ્ધ કાવતરું રચી સાયબર ફ્રોડ અને છેતરપીંડીથી મેળવેલ નાણાં આરોપી વસંત જેરાજભાઇ વાઘેલા રહે. કોળીની વાડી સ્કુલ પાસે મોરબી તથા લાલજીભાઇ શામજીભાઇ દેગામા રહે. માંધાતા સોસાયટી વીસીપરા મોરબી વાળાના બેંક એકાઉન્ટમાં કમિશનની લાલચ આપી જમા કરાવી, ત્યારબાદ ચેક તથા એ.ટી.એમ. મારફતે કુલ રૂ. ૨,૦૧,૧૨૦/- ઉપાડી સગેવગે કરવામાં આવ્યા હતા. મોરબીની વિવિધ બેંકમાં આ ગુનાહિત પ્રવૃતિ ચાલી હોવાનું બહાર આવતાં સાયબર ક્રાઇમ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.









