આરટીઓ ચલણના બહાને મોબાઇલ હેક કરી ચાર બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર, સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ.
મોરબીમાં વોટ્સએપ ઉપર આવેલી .apk ફાઇલ ખોલતાં વધુ એક સાયબર ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. આર.ટી.ઓ. ચલણની apk. ફાઇલ ખોલતા જ કારખાનેદારનો મોબાઇલ હેક થયો અને રૂ.૨ લાખ ચાર અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી સાયબર ઠગાઈ કરવામાં આવી હતી. હાલ સમગ્ર બનાવ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ચાર એકાઉન્ટ હોલ્ડર સામે ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગત મુજબ, મોરબીના એસ.પી. રોડ શિવાલય વાટીકા એપાર્ટમેન્ટ ૨૦૧માં રહેતા અને ટંકારાના ખીજડીયા રોડ પર સીલ્વર પોલીટેક કારખાનામાં ભાગીદાર અશ્વિનભાઈ ગોવિંદભાઈ શેરસીયા ઉવ.૪૪ સાયબર ઠગાઈનો ભોગ બન્યા હતા. જેમાં ગત તા.૧૯ જૂન ૨૦૨૫ના રોજ તેમના વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી આરટીઓ ચલણ બાબતની .apk ફાઇલ આવી હતી, જે ખોલતાં તેમનો મોબાઇલ હેક થયો હતો. થોડી જ વારમાં તેમના HDFC બેંક એકાઉન્ટમાંથી રૂ.૫૦,૦૦૦/-ના ચાર અલગ અલગ ટ્રાન્જેક્શન થવાના મેસેજ આવ્યા હતા અને કુલ રૂ.૨,૦૦,૦૦૦/- ડેબિટ થઈ ગયા હતા. આ રકમ કોટક મહિન્દ્રા બેંક, એનએસડીએલ પેમેન્ટ્સ બેંક, આઈડીઆઈ બેંક અને પંજાબ એન્ડ સિંન્ડ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. જેથી તુરંત અશ્વિનભાઈ દ્વારા બેંકમાં ખાતું બ્લોક કરાવી સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જે બાદ આ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ઉપરોક્ત ચાર બેંક એકાઉન્ટ હોલ્ડર તથા તપાસમાં ખુલ્લે તેની સામે સાયબર ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.









