ટેલીગ્રામ અને વોટ્સએપ મારફતે ઘરે બેઠા કમાણીની લાલચ આપી ૪૮ લાખથી વધુની છેતરપીંડી, મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ.
મોરબી જીલ્લા સહિત રાજ્ય પોલીસ દ્વારા સાયબર જાગૃતતા માટે અવાર નવાર કેટલાય અભિયાન ચલાવી સામાન્ય પ્રજાજનોમાં સાયબર જાગૃતિની સમજૂતી અને માર્ગદર્શન આપી ચેતવણી આપવામાં આવતી હોય છે કે, ઓનલાઇન પ્લેટફોર્મ પર આવેલી નોકરી અથવા રોકાણ સંબંધી લોભામણી ઓફરો અંગે વિધિવત તપાસ કર્યા વિના કોઇ પણ પ્રકારની નાણાકીય લેવડદેવડ ન કરવી, તો પણ સામાન્ય નાગરિકો/રોકાણકર્તા સાયબર ઠગોની વધુ નફો કમાવાની લોભામણી લાલચનો શિકાર બનતા હોય છે, ત્યારે આવા જ એક કિસ્સામાં વાકાંનેરના એક વેપારીને ‘ટાટા પ્રોજેક્ટ’ ના જોબ-વર્ક આપવાની લાલચ આપી ઓનલાઇન પ્લેટફોર્મ અને બેંક એકાઉન્ટો દ્વારા રૂ. ૪૮,૦૩,૮૮૫/- ની છેતરપીંડી કરવામાં આવી હતી. ફરીયાદના આધારે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં બીએનએસ તથા આઇ.ટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
મોરબી જીલ્લાના વાકાંનેર તાલુકાના રસીકગઢ ગામે રહેતા મકબુલહુસૈનભાઈ અલીભાઈ માથકીયા ઉવ.૩૮ નામના એક ખેડૂત તથા વેપારીએ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ટેલીગ્રામ એપ ઉપર Ragavi09612436 અને Customer_Care_Expereince નામના એકાઉન્ટ મારફતે ટાટા પ્રોજેક્ટના જોબ વર્કના બહાને આરોપીઓ તેમના સંપર્કમાં આવી તેઓની સાથે સાયબર છેતરપિંડી કરવામાં આવી છે. આરોપીઓએ મકબુલભાઈને ઘર બેઠા રોકાણ કરીને નફો કમાવાની લાલચ આપી તેમની સાથે વોટ્સએપ તેમજ અન્ય મોબાઇલ નંબરો અને યુ.પી.આઇ. આઇ.ડી.ઓ દ્વારા સતત સંપર્કમાં રહી અને તેઓ પાસેથી અલગ અલગ સમયે કુલ રૂ. ૪૮,૦૩,૮૮૫/- જેટલું રોકાણ કરાવ્યું હતું. જ્યારે મકબુલભાઈએ રોકાયેલ રકમ પાછી માંગતાં આરોપીઓએ ટેક્સ ભરવાનું બહાનું આપી વધુ પૈસા માંગ્યા અને આજ સુધી રોકાણ કરેલ રૂપિયા પરત આપ્યા નહીં.
સમગ્ર સાયબર ઠગાઈના કાંડમાં આરોપીઓએ ૨૯થી વધુ યુ.પી.આઇ. આઇ.ડી. તથા વિવિધ બેન્કોના ખાતા નંબરોનો ઉપયોગ કરી ષડયંત્ર કર્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ આ સમગ્ર ઘટના તા. ૨૯/૦૧/૨૦૨૫થી ૧૯/૦૨/૨૦૨૫ દરમિયાન વાકાંનેર તાલુકાના મોનાલી ચેમ્બર, અરબાબ એજન્સી નામની દુકાન ખાતે બની હતી. હાલ, સાયબર ક્રાઇમ પોલીસે બીએનએસ કલમ તથા આઇ.ટી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી, વધુ તપાસ પીઆઇ કે.કે. દરબાર દ્વારા શરૂ કરવામાં આવી છે.