Thursday, December 5, 2024
HomeGujaratમોરબી:પિતાના કેન્સરની સારવાર માટે લીધેલ વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી દરમિયાન પરિવારને જાનથી...

મોરબી:પિતાના કેન્સરની સારવાર માટે લીધેલ વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી દરમિયાન પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

પતિએ લીધેલ વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી પત્નીને માર મારી છરી બતાવી પડાવી લીધેલ ચેક બાઉન્સ કરાવવાના આક્ષેપો સાથે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ.

- Advertisement -
- Advertisement -

મોરબીના પંચાસર રોડ ઉપર રાજનગરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે વ્યાજખોર ઈસમ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં પીડિત યુવકે પિતાની સારવાર માટે પોતાના મિત્ર એવા વ્યાજખોર પાસેથી માસિક ૨૦% લેખે વ્યાજે રૂપિયા લીધેલા જેનું વ્યાજ અને રૂપિયા સમયસર ન ચૂકવતા વ્યાજખોર ઇસમે પીડિત યુવકને ફોન ઉપર તેમજ રૂબરૂ પઠાણી ઉઘરાણી કરતો તેમજ ઘરે યુવકની ગેરહાજરીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને યુવકની પત્નીને ફડાકા માર્યા હતા. જે બાદ વ્યાજખોરે છરી બતાવી યુવક પાસેથી સહી કરેલ કોરા ચેક પડાવી લઈ બાઉન્સ કરાવી યુવક વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલુ કરાવ્યો હોય અને વ્યાજના રૂપિયા આપવા દબાણ કરી પરિવાર સહિત તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય, હાલ પોલીસે પીડિત યુવકની ફરિયાદને આધારે આરોપી સામે ધાક ધમકી, શારીરિક ઇજાઓ પહોંચાડવી તથા નાણા ધીરધાર અધિનિયમ હેઠળની કલમો મુજબનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ જામજોધપુરના રહેવાસી હાલ મોરબી પંચાસર રોડ રાજનગર સંગાથ પેલેસ ફ્લેટ નં.૫૦૧માં રહેતા જયદીપભાઈ લાલજીભાઈ માણસુરીયા ઉવ.૩૬ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી જયસુખભાઈ ઉર્ફે જશાભાઈ મિયાત્રા રહે.શકત શનાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ફરિયાદી જયદીપભાઈ જે હાલ બ્લડ કેન્સરની સારવાર લેતા હોય તેઓએ ત્રણ વર્ષ પહેલાં પિતાની મોઢાના કેન્સર માટેની સારવાર માટે તેમણે તેમના મિત્ર જયસુખભાઈ ઉર્ફે જશાભાઈ મિયાત્રા પાસેથી રૂ.૪.૫૦ લાખ રૂપિયા ૨૦% વ્યાજે લીધા હોય જે વ્યાજ પેટે માસિક ૬૨ હજાર રૂપિયા જયદીપભાઈ ચૂકવતા હતા શરૂઆતના ચાર મહિના વ્યાજ ચૂકવ્યા બાદ જયદીપભાઈની નોકરી અને પિતાના મરણના બનાવને કારણે તે વધુ વ્યાજ ચૂકવી ન શક્યા જેથી અવાર નવાર વ્યાજખોર દ્વારા ફોન ઉપર અને રૂબરૂ વ્યાજના રૂપિયા બાબતે પઠાણી ઉઘરાણી ચાલુ કરી હતી.

આ દરમિયાન બે વર્ષ પહેલાં, આરોપી જયસુખભાઈએ તેમના ઘરે આવીને પઠાણી ઉઘરાણી કરી જયદીપભાઈની પત્નીને ગાળો આપી ત્રણ ફડાકા મારી દીધા હતા. આ ઉપરાંત, જયસુખભાઈએ છરી બતાવીને એક્સિસ બેંકના બે કોરા ચેક બળજબરીથી પડાવી લીધા હતા અને તે ચેક બેંકમાં નાખી બાઉન્સ કરાવી કોર્ટમાં કેસ નોંધાવ્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે સતત માનસિક અને શારીરિક રીતે પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોર વિરુદ્ધ જયદીપભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે અલગ અલગ આઇપીસી કલમો તથા મની લેન્ડર્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!