મોરબી:કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકીઓ તથા તેમની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરનારા ભાજપના નેતાઓ દ્વારા છેલ્લા એક સપ્તાહમાં અલગ અલગ પ્રદેશમાં જાહેર મંચ ઉપરથી નિવેદનો આપવામાં આવ્યા હોય ત્યારે આ તમામ નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા મોરબી જીલ્લા કોંગ્રેસ તરફથી માંગ સાથે મોરબી જીલ્લા પોલીસવડાને આવેદન આપવામાં આવ્યું છે.
મોરબી કોંગ્રેસ સમિતિ દ્વારા એક યાદીમાં જણાવ્યા અનુસાર ગત તા. ૧૧/૦૯ના રોજ ભાજપના નેતા તરવિન્દરસિંહ મારવાહએ ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે તા.૧૬/૦૯ના રોજ મહારાષ્ટ્રના શિંદે સેનાના શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધીની જીભ કાપશે તેને ઈનામ આપવાની વાત કરી હતી. રેલવે રાજ્યમંત્રી રવનીત બિટ્ટુએ તા.૧૫/૦૯ના રોજ મીડિયા સાથેની વાતચીત દરમિયાન રાહુલ ગાંધીને ‘દેશનો નંબર વન આતંકવાદી’ કહી અપમાનજનક ટિપ્પણી કરી હતી, જ્યારે ભાજપના નેતા અને યુપી સરકારના મંત્રી રઘુરાજસિંહે પણ ગત તા.૧૬/૦૯ના રોજ જાહેરમાં રાહુલ ગાંધીને ‘ભારતનો નંબર વન આતંકવાદી’ કહી જાહેરમાં નફરત ભરેલી ટિપ્પણીઓ કરવામાં આવી હોય ત્યારે ભાજપ નેતાઓના આવા નિવેદનો ગુજરાત સહિત દેશભરના પ્રિન્ટ, સોશિયલ અને ઈલેકટ્રોનિક મીડિયાના માધ્યમથી વાઇરલ કરવામાં આવ્યા હોય તેથી આવા નિવેદનો કરનારા ભાજપ તથા ભાજપના સહયોગી પક્ષના નેતાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી મોરબી કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી હતી.