મોરબીમાં એક વેપારીએ ધંધા માટે લીધેલા ઉંચા વ્યાજે રૂ.૧ લાખના બદલે વ્યાજ અને પેનલ્ટી સહિત કુલ રૂ.૪.૮૮ લાખ ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોર દ્વારા વેપારી અને તેના પુત્રને વધુ રકમની પઠાણી ઉઘરાણી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતાં ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત વ્યાજખોરે બળજબરીથી નોટરી લખાણ અને કોરા ચેક પણ કઢાવી લીધા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસે આ મામલે નાણા ધીરધાર અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, દલવાડી સર્કલ નજીક શિવમ અપાર્ટમેન્ટ ૩૦૩માં રહેતા મૂળ ખાનપર(ઘુ)ના વતની ભરતભાઈ પ્રભુભાઈ ઘોડાસરા ઉવ.૪૮એ આરોપી પ્રકાશભાઈ મેપાભાઈ પીઠમલ રહે. દલવાડી સર્કલથી આગળ મોરબી વાળા વિરુદ્ધ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૨૨માં ધંધા માટેની જરૂરિયાતે ફરિયાદીએ આરોપી પાસેથી ૮ ટકા વ્યાજે ૧ લાખ રૂપિયા લીધા હતા. આ સાથે આરોપીએ બળજબરીપૂર્વક રૂ.૩ લાખનું નોટરી લખાણ કરાવ્યું હતું તેમજ આઈ.ડી.બી.આઈ. બેંકના ત્રણ કોરા ચેક પણ કઢાવી લીધા હતા. ત્યારબાદ ત્રણ વર્ષ દરમિયાન ફરિયાદીએ નિયમિત વ્યાજ ચૂકવી કુલ રૂ.૨.૮૮ લાખ ચુકવ્યા હતા અને પછી પેનલ્ટી સહિત વધુ રૂ.૨ લાખ ચૂકવી કુલ રૂ.૪.૮૮ લાખ આપી દીધા હતા. તેમ છતાં આરોપી દ્વારા વધુ પૈસાની માંગણી ચાલુ રાખવામાં આવી હતી. આરોપીએ ફરિયાદીના પુત્રને ફોન કરીને ગાળો આપી માર મારવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે આરોપી સામે આઈપીસીની કલમ તેમજ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









