મોરબી ખાતે ફરજ બજાવતા ગુજરાત નાગરિક પુરવઠા નિગમના નાયબ જીલ્લા મેનેજરને એફસીઆઈ ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને લેખિત, મૌખિક જાણ કરતા તે બાબતે ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટરને સારું નહિ લાગતા તેમને ફોન પર ગાળો આપી ધમકી આપવામાં આવી છે. હાલ નિગમના મેનેજર દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં જરૂરી આધાર પુરાવા સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, દેવેન્દ્રસિંહ ઉદેસિંહ સોલંકી ઉવ.૩૪ રહે.હાલ મોરબી-૨ ઉમા ટાઉનશીપ પાસે હરીપાર્ક સોસાયટીમાં અને નાયબ જીલ્લા મેનેજર (ગ્રેડ-૨) તરીકે ગુજરાત નાગરિક પુરવઠા નિગમમાં ફરજ બજાવે છે. હાલ દેવેન્દ્રસિંહે બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી આશીયાના કોટન વર્કસના પ્રતિનિધિ મહેબુબભાઈ આઈ. સોલંકી રહે. પોપટપરા રાજકોટ મો.નં. ૯૬૦૧૯૯૨૨૪૧ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, મોરબી જીલ્લાના એફસીઆઈના વાંકાનેર ગોડાઉનથી ઘઉં તથા ચોખાનું વિતરણ કરવાનો કોન્ટ્રાક્ટ “આશીયાના કોટન વર્કસ”ને મળ્યો છે. પરંતુ છેલ્લા એક વર્ષથી આ કંપની દ્વારા મોરબી જીલ્લાના વિવિધ તાલુકાના ગોડાઉનોમાં યોગ્ય રીતે અનાજ પહોંચાડવામાં અને મજૂરો ઉપલબ્ધ કરવામાં નિયમિતતાનો અભાવ જોવા મળ્યો છે. આથી દેવેન્દ્રસિંહ સોલંકી અને જીલ્લા પુરવઠા અધિકારીઓ દ્વારા અનેકવાર લેખીત, મૌખિક, વ્હોટસેપ તથા ફોન દ્રારા આ બાબત અંગે કંપનીને સૂચના અપાઈ હોય, જે બાબતે આ આરોપીને સારું નહીં લાગતા ગઈકાલ તા.૧૪ જૂનના રોજ સવારે દેવેન્દ્રસિંહના મોબાઇલ નંબર પર મહેબુબભાઈ આઈ. સોલંકી (મો. નં. ૯૬૦૧૯૯૨૨૪૧) દ્વારા દેવેન્દ્રસિંહના મોબાઇલ ફોનમાં વોટ્સએપ કોલ કરીને ગાળો આપી ધાકધમકી આપી હતી, જે તમામનું રેકોર્ડિંગ દેવેદ્રસિંહ દ્વારા કરી લેવામાં આવ્યું હોય જે આધાર પુરાવા સાથે દેવેન્દ્રસિંહે બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા, પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.