મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરાઈ છે કે જે રીતે દિલ્લીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા અપાઈ રહેલી જનકલ્યાણકારી સુવિધાઓ ગુજરાતના નાગરીકોને પણ આપવામાં આવે, જેમાં મહિલાઓને દર મહિને રૂપિયા ૨,૧૦૦/-, વિનામૂલ્યે શિક્ષણ-સ્વાસ્થ્ય સુવિધા, વડીલોને તીર્થ-યાત્રા, વિનામૂલ્યે બસ-મુસાફરી જેવી જરૂરી સુવિધા ગુજરાતના નાગરિકોને પણ આપવામાં આવે તેવી માંગ સાથે જીલ્લા આમ આદમી પાર્ટી ટીમ દ્વારા આવેદન આપી માંગ કરાઈ છે.
મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આલવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા ૩૦ વર્ષથી ભાજપનું એકચક્રી શાસન ચાલે છે. પંચાયતથી લઈને વિધાનસભાઓ સુધી ભાજપ રાજ કરે છે. આટલા લાંબા સમય દરમિયાન કોઈ પાર્ટી શાસનમાં રહે તો એ રાજ્યની મોટાભાગની સમસ્યાઓનું નિરાકરણ થઈ જવું જોઈએ પણ આમ છતાંય ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીનો દર ઉંચો છે, નાગરિક સુરક્ષાની સ્થિતિ કથળતી જાય છે, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાઓ માટે નાગરિકોએ દેવાદાર થવું પડે છે, ખેડૂતો ખેતી છોડવા માટે મજબુર થઇ રહ્યા છે. દલિતો અને આદિવાસીઓ ઉપરના અત્યાચારો વધી રહ્યા છે.
જ્યારે આમ આદમી પાર્ટી બહુ નાની પાર્ટી છે પણ એમ છતાંય દિલ્લીમાં છેલ્લા દસ વર્ષમાં અનેક ક્રાંતિકારી કાર્યો કર્યા છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, જાહેર પરિવહન, વિજળી, પાણી, વગેરે જેવી પાયાની જરૂરીયાતો વિનામૂલ્યે આપ્યા બાદ પણ બજેટ ફાયદામાં રહે છે. પાયાની સુવિધાઓ સિવાય અન્ય અનેક સુવિધાઓ દિલ્લીના નાગરિકોને આપવામાં આવી રહી છે. હવેથી તો દરેક મહિલાને દર મહીને ૨,૧૦૦ રૂપિયા પણ આપવામાં આવશે. અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી લડતી વખતે ભાજપ પણ એવા વચનો આપે છે કે ભાજપ પણ મફત ગેસનો બાટલો, મહિલાઓને ૨,૫૦૦ રૂપિયા, વગેરે જેવી સુવિધાઓ આપશે, ત્યારે ગુજરાતના લોકોને એ સવાલ થઈ રહ્યો છે કે જે ગુજરાતે ભાજપને આટલી સફળતા અપાવી એ જ ગુજરાત આજે આ બધી સુવિધાઓથી વંચિત શા માટે છે ?
આથી ગુજરાતના તમામ નાગરિકો વતી માંગણી છે કે ગુજરાતની મહિલાઓને પણ દિલ્લીની જેમ દર મહિને ૨,૧૦૦/- રૂપિયા આપવામાં આવે, શિક્ષણ-સ્વાસ્થ્ય સુવિધાઓ મફતમાં આપવામાં આવે, બસ મુસાફરી વિનામૂલ્યે કરાવવામાં આવે, વડીલોને તીર્થયાત્રા કરાવવામાં આવે તેમજ એ તમામ જરૂરી સુવિધાઓ આપવામાં આવે જે આપવાનું વચન ભાજપ અન્ય રાજ્યોમાં આપે છે અને જે સુવિધાઓ દિલ્લીમાં આમ આદમી પાર્ટીની સરકાર દિલ્લીના નાગરિકોને આપી રહી છે. આ તમામ સુવિધાઓ ગુજરાત વાસીઓને મળે એ બાબતે મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા મોરબી જીલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.