પંજાબમાં તાલુકા અને જીલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ૭૦ ટકાથી વધુ સીટો પર વિજય મેળવી આમ આદમી પાર્ટીએ પ્રચંડ બહુમતી હાંસલ કરતા મોરબી જીલ્લામાં આપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરી હતી.
પંજાબ રાજ્યમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયત તથા જીલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ૭૦ ટકાથી વધુ સીટો પર વિજય મેળવી ભવ્ય બહુમતી સાથે જીત મેળવી છે. આ વિજયની ખુશીમાં મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પંજાબમાં મળેલી આ પ્રચંડ જીત એ આમ આદમી પાર્ટીની “કામની રાજનીતિ”ની જીત છે. પંજાબના લોકોએ છેલ્લા ચાર વર્ષ દરમિયાન આમ આદમી પાર્ટી સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો, સુશાસન અને લોકહિતના નિર્ણયો પર વિશ્વાસ મૂકી પ્રચંડ સમર્થન આપ્યું છે. સાથે જ ખોટા વાયદા કરનાર પક્ષોને લોકોએ નકારી કાઢ્યા છે. આગેવાનોનું વધુમાં કહેવું હતું કે, આવી જ રીતે ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેવી કે તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં પણ લોકો આમ આદમી પાર્ટીની કામની રાજનીતિને સ્વીકારશે અને પ્રચંડ બહુમતી આપશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે.









