મોરબીના ઝુલતો પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગતોને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
મોરબી ખાતે સર્જાયેલી દુર્ઘટનાના પગલે આજ સમગ્ર રાજ્યમાં શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે સમગ્ર રાજ્ય ભીની આંખે તમામ દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કલેક્ટર કચેરી ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરી ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રાર્થના સભામાં નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, વાંકાનેર પ્રાંત અધિકારી શેરશિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.કાથડ, ડેપ્યુટી કલેક્ટર ડી.એ.પરમાર સહિત મામલતદારઓ, નાયબ મામલતદારઓ તથા વહીવટીતંત્રના તમામ સંવર્ગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.