મોરબી જીલ્લાના નવલખી હાઈવે ઉપર અનેક નાના-મોટા વાહનોની મોટા પ્રમાણમાં અવરજવર રહે છે. ત્યારે હાઈવે ઉપર નશાકારક પદાર્થોનું સેવન કરી બેફામ ચાલતા ઓવરલોડ વાહનો ઉપર કાબુ લાવી કાયદેસરની કાર્યવાહી કરવા મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આર.ટી.ઓ.નાં સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીને પત્ર લખી માંગ કરવામાં આવી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આર.ટી.ઓ.નાં સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે, મોરબી જીલ્લાના નવલખી હાઈવે ઉપર અમુક વાહનોના ડ્રાઈવરો નશાકારક પદાર્થોનું સેવન કરી ઓવરલોડ વાહનો લઈ પસાર થાય છે. આ વાહનો ઓવરલોડ ભરેલ હોવાથી તેમાં ભરેલ કાકરી, પથ્થ૨, રેતી, કોલસો રસ્તા ઉપર પડે છે. જેના કારણે ત્યાંથી પસાર થતાં નાના વાહનો ઉપર આવા પદાર્થો પડતા હોવાથી અકસ્માતમાં જાનહાની થવાની સંભાવના છે. તેમજ ડ્રાઈવર નશાકારક પદાર્થોનું સેવન કરેલ હાલતમાં વાહનો ચલાવતા હોવાના કારણે અગાઉ પણ ગંભીર અકસ્માતો બનેલ છે. જેના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવેલ છે. અમુક વાહનોના ડ્રાઈવરો પાસે લાયસન્સ પણ હોતા નથી. આવા વાહન ચાલકો અકસ્માત સર્જશે તો જવાબદાર કોણ…? ત્યારે આ રજુઆતને ધ્યાને લઈ નવલખી હાઈવે ઉપર નશાકારક પદાર્થોનું સેવન કરી બેફામ ચાલતા ઓવરલોડ વાહનો ઉપર કાબુ લાવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. જો આ અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહી આવે અને કોઈ અઘટીત બનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી આર.ટી.ઓ. કચેરીની રહેશે. તેમ છતાં જો ૮ દિવસમાં કોઈ નકકર કાર્યવાહી કરવામાં નહી આવે તો મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી છે