મોરબી જીલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.એક્ટ અંતર્ગત સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરની સમીક્ષા બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મોરબી જીલ્લા વહીવટીતંત્ર અને જીલ્લા આરોગ્યતંત્રના માર્ગદર્શન હેઠળ આયોજિત આ બેઠકમાં બાળકો અને માતાના મૃત્યુનું શું કારણ હતું અને તેને રોકવા માટે વહીવટીતંત્ર શું શું પગલાં લઇ શકે છે તે માટે જે પરિવારમાં બાળમૃત્યુ કે માતાનું મૃત્યુ નોંધાયા હોય તેમના પરિવારજનો સાથે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર મોરબી જીલ્લાના છેલ્લા ૫ વર્ષના આંકડા જોઈએ તો ૯૩૧ જેટલો સેક્સ રેશિયો એટલે કે લિંગ ગુણોત્તર પ્રમાણ જોઈએ તો ૧૦૦૦ ની સાપેક્ષમાં ૯૩૧ જણાય છે. જે છોકરીઓના જન્મના પ્રમાણમાં વધારો સૂચવે છે આ વર્ષમાં મોરબીમાં ગર્ભસ્થ શિશુના લિંગ તપાસ બદલ 3 ક્લિનિક / મેડિકલ સંસ્થાને સીલ કરવામાં આવી છે.
જીલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે જીલ્લા વહીવટીતંત્ર દ્વારા ગર્ભસ્થ શિશુના લિંગ પરીક્ષણ કરતા લોકો વિરુદ્ધ ઝીરો કેઝયુઆલીટીનો એપ્રોચ રાખવામાં આવ્યો છે જે વ્યક્તિ આ અંગેની સાચી માહિતી જીલ્લા વહીવટીતંત્રને આપશે તો તેમની ઓળખ સંપૂર્ણપણે ખાનગી રાખવામાં આવશે મોરબીમાં જે જે નવા ક્લિનિક કે મેડિકલ સંસ્થા ખુલે તેમણે તાત્કાલિક ધોરણે ઘી ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ અન્વયે રજીસ્ટ્રેશન ફરજિયાતપણે પૂર્ણ કરાવી લેવાનું રહેશે આ અંગે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.
આ ઉપરાંત માતા મરણ અને બાળ મરણની બેઠકમાં માતા મરણ અને બાળ મરણના કારણોની ચર્ચા સ્ત્રી રોગ નિષ્ણાત અને બાળરોગ નિષ્ણાત ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં મરણ થતા અટકાવા તાકીદ કરવામાં આવી હતી તેમજ જે વિસ્તારોમાં લિંગ ગુણોત્તર પ્રમાણ/ સેકસ રેશિયો જ્યાં ઓછો છે તો તે વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારી મારફતે ક્રોસ વેરીફીકેશન કરાવવા સૂચના આપવામાં આવી હતી ઉક્ત સમીક્ષા બેઠકમાં સમિતિના તમામ સદસ્યો હાજર રહ્યા હતા.