મોરબી-રાજકોટ રોડ પર થયેલા ખાડાના કારણે એજન્સીને કામ કમ્પલીટ થયાનું સર્ટિફિકેટ ન આપવા અને યાત્રાધામ માટેલ ના વિકાસ માટે આયોજન કરવા સૂચના આપતા સાંસદ મોહનભાઈ કુંડારિયા
સાંસદ મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લાની ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ એન્ડ મોનિટરીંગ કમિટી (દિશા)ની બેઠક યોજાઈ હતી.જેમાં જિલ્લાની વિવિધ યોજનાઓ હેઠળ થયેલી કામગીરીની સમીક્ષા બાબતે સાંસદ મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષસ્થાને દિશાની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા એ વિવિધ યોજનાઓ હેઠળ થયેલી કામગીરીની સમીક્ષા કરી પીવાના પાણીના કામોને મહત્વ આપવા જણાવ્યું હતું. નગરપાલિકા હેઠળ આવાસ યોજનાના આવાસોની ફાળવણી વહેલી તકે કરવા જણાવી સાંસદએ મોરબી રાજકોટ રોડ પર થયેલા ખાડા અંગે સઘન ચર્ચા કરી એજન્સીને કામ કમ્પલીટ થયાનું સર્ટિફિકેટ ન આપવા સુચના આપી હતી.
સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ કયા વિભાગ દ્વારા શું કામગીરી કરવામાં આવી છે તેની માહિતી મેળવી તમામ વિભાગોને સાથે મળીને કામગીરી કરવા જણાવ્યું હતું. ઉપરાંત યાત્રાધામ માટેલમાં ટ્રાફિક સમસ્યા નિવારવા દબાણ હટાવી માટેલને વધુ રળિયામણું બનાવી શકાય તે પ્રકારનું આયોજન કરવા જણાવ્યું હતું. વન વિભાગ હેઠળ વરસાદી વાતાવરણ હોવાથી જિલ્લાની વિવિધ સંસ્થાઓ સાથે સંકલન કરી રોપા વિતરણનું આયોજન કરવા માટે પણ તેમણે જણાવ્યું હતું.
દિશાની આ બેઠક અન્વયે મનરેગા, પંચાયતો, નેશનલ રૂરલ લાઈવલી હુડ મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, આયુષ્યમાન કાર્ડ, ઉજ્વલા યોજના વગેરે યોજનાઓ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નગરપાલિકાઓ, જિલ્લા પુરવઠા કચેરી, આરોગ્ય, આયોજન, ખેતીવાડી વગેરે વિભાગોની યોજનાઓ હેઠળ થયેલી કામગીરી અને પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા સાથે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. સિરેશિયા, જિલ્લા આયોજન અધિકારી જીગ્નેશભાઈ બગિયા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવે, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ સહિત જિલ્લાના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.