રાજકોટ સંસદીય મતવિસ્તારની ૫૬ કચ્છ સંસદીય મતવિસ્તારની ૨૯ માંગણીઓને મંજૂરીની મહોર લાગી
લોકસભાની ચૂંટણી – ૨૦૨૪ અન્વયે પ્રચાર પ્રસાર માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા માંગવામાં આવેલી મંજૂરીઓ અંતર્ગત મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૮૫ જેટલા કાર્યકમો/આયોજનોને મંજૂરીઓ આપવામાં આવી છે.
ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતા લાગુ થાય ત્યારથી રાજકીય પક્ષો દ્વારા યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમો/આયોજનો ઉપર ચૂંટણી તંત્ર દ્વારા નિયંત્રણ રાખવામાં આવતું હોય છે. રાજકીય પક્ષો કોઈ કાર્યક્રમ યોજવા ઇચ્છુક હોય ત્યારે તેમના દ્વારા જિલ્લા ચૂંટણી તંત્ર પાસે મંજૂરી મેળવી કાર્યક્રમો યોજવાના હોય છે. સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ આગામી ૭ તારીખે લોકસભાની ચૂંટણી અન્વયે મતદાન યોજનાર છે. ત્યારે ૧૬ માર્ચ કે જ્યારથી આદર્શ આચારસંહિતા લાગુ પડી ત્યારથી લઇ અને અત્યાર સુધીમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવેલી ૮૫ જેટલી અરજીઓને મંજૂરી આપવામાં આવી છે.
આ ૮૫ અરજીઓ માંથી ૫૬ અરજીઓ રાજકોટ સંસદીય મતવિસ્તારમાંથી માંગવામાં આવી હતી જ્યારે બાકીની ૨૯ અરજીઓ કચ્છ સંસદીય મતવિસ્તાર માંથી માંગવામાં આવી હતી. આ અરજીઓમાં લાઉડ સ્પીકર સાથેની સભા, લાઉડ સ્પીકર, રેલી, શેરી સભાઓ, કામ ચલાઉ ધોરણે પક્ષની ઓફિસ ઉભી કરવી, ડોર ટુ ડોર પ્રચાર સહિત વિવિધ કાર્યક્રમો/આયોજનો માટે મંજૂરીઓ માંગતી અરજીઓ કરવામાં આવી હતી. જે અરજીઓ મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મંજૂર કરવામાં આવી છે.