આજે મોરબી સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રજાસત્તાક પર્વની દેશભકિતના માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી ખાતે પણ ધ્વજવંદન, દેશભકિતના ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે. તેમજ મોરબીની જિલ્લા કક્ષાની 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી હળવદ ખાતે કરાઈ હતી.
74 માં પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે કરાઈ હતી. જેમાં મોરબી જીલ્લા કલેક્ટર જી ટી પંડ્યા દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે ઉજવણી પ્રસંગે વિવિધ વિભાગના ટેબલો તેમજ પોલીસ, ફાયર, એનસીસી, એનએસએસ અને ફોરેસ્ટના જવાનો દ્વારા પરેડ કરવામાં આવી હતી. અને મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની હાજરીમાં પોલીસ પરેડ સાથે ધ્વજવંદન કર્યું હતું. ત્યાર બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ અન્ય કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં નિષ્ઠાપૂર્વક પોતાના જીવની ચિંતા કરવા વગર પાણીમાં કૂદી જઈ અનેક લોકોના જીવ બચાવનાર પોલીસ જવાનોને તેમજ બ્રિજ હોનારતમાં સેવાકીય ફરજ બજાવનાર હોસ્પિટલ તેમજ સમાજિક સંસ્થાઓ અને વ્યક્તિઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ મોરબી જિલ્લા કલેકટર ,મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક ,અધિક કલેકટર સહિતનાઓ દ્વારા વૃક્ષારોપણ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.