મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે વધુ બે સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. જેમાં મોરબી માધાપર ઝાપા પાસે આવેલ કોમ્પલેક્ષ પાસેથી એક ઈસમ વિદેશી દારૂની ૯ બોટલ સાથે મળી આવ્યો હતો. જયારે ધાટીલા ગામની સીમમાંથી એક ઈસમ દેશી દારૂના મુદ્દામાલ સાથે પકડાયો હતો.
પ્રથમ બનાવમાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી માધાપર ઝાપા પાસે આવેલ કોમ્પલેક્ષ પાસે એક ઈસમ જાહેરમાં વિદેશી દારૂનું વેચાણ કરે છે જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી અર્જુનસિંહ દિલુભા ઝાલા (રહે મહારાણા પ્રતાપ સોસાયટી સામાકાઠે મોરબી-૨) નામના ઈસમને દેશી દારૂની અલગ અલગ બ્રાંન્ડની કુલ ૯ બોટલના રૂ.૯૦૦૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતા તેની અટકાયત કરી છે. જયારે અંકીતભાઈ અરૂણભાઈ મોચી (રહે. વાવડી રોડ સોમૈયા સોસાયટી મોરબી) નામનો શખ્સ સ્થળ પરથી મળી ન આવતા તેને વેન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં, માળીયા મી. પોલીસની ટીમે બાતમીના આધારે ધાટીલા ગામની સીમ ચેકડેમની પાસે હડકાયા હોકળાના કાંઠે રેઈડ કરી દેશીદારૂ બનાવવાનો રૂ.૨૮૦૦/- ની કિંમતનો ૧૪૦૦ લીટર આથો તથા રૂ.૬૦૦૦/-ની કિંમતનો ૩૦૦ લીટર દેશીદારૂ મળી કુલ રૂ.૮૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે મીલનભાઇ જાદવજીભાઇ સનુરા (રહે.જુનાધાટીલા તા.માળીયા જી.મોરબી) નામનો આરોપી સ્થળ પરથી મળી આવતા તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.