મોરબી શહેર અને જિલ્લામાં પ્રિસ્ક્રિપ્શન વગર નશીલી દવાઓ ના વેચાણ પર રોક લગાવવા મોરબી જિલ્લા વિસ્તારમાં શાળા/કોલેજો તેમજ શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુ આવેલ મેડીકલ સ્ટોરમાં મોરબી જિલ્લા પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ કરાયું હતું.
સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રિસ્ક્રિપ્શન વગર નશીલી દવાઓ વેચતા મેડીકલ સ્ટોર સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. રાજ્યના ડીજીપીની સૂચના મુજબ શિડયુલ H, H1 અને X કેટેગરીની દવાઓના વેચાણ પર ચેકિંગ માટે અભિયાન શરૂ કરાયું છે.
આ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ શાળા/કોલેજો તેમજ શૈક્ષણિક સંસ્થાઓની આજુ-બાજુ તેમજ શંકાસ્પદ મેડીકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્સન વગર ન વેચી શકાય તેવી દવાઓ કે જેનો ઉપયોગ નશો કરવા થતો હોય તેવી દવાઓનું વેચાણ અટકાવવા મેડીકલ સ્ટોરમાં ચેકીંગ કરવા અને રેઇડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે.
જે અન્વયે ગત તા.૦૯/૦૭/૨૦૨૫ ના રોજ અલગ-અલગ પોલીસ સ્ટેશન તેમજ એલ.સી.બી/એસ.ઓ.જી. મળી કુલ-૨૨ ટીમો બનાવી મોરબી શહેર, વાંકાનેર, હળવદ, ટંકારા, માળીયા, મોરબી/વાંકાનેર તાલુકા વિસ્તારમાં આવેલ કુલ ૬૧ જેટલા મેડીકલ સ્ટોરમાં મોરબી પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ કરી મેડીકલ સ્ટોરના વેચાણ રજીસ્ટર, સ્ટોક રજીસ્ટર તેમજ પ્રિસ્ક્રિપ્સન વગર ન વેચી શકાય તેવી દવા બાબતે ચેકીંગ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.