રાજકોટ જિલ્લા રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા ૩૧ ડીસેમ્બર અનુસંધાને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવાસુચના કરેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા પોલીસના માણસો કાર્યરત હતા. દરમિયાન મોરબી જિલ્લા પોલીસે બે અલગ-અલગ સ્થળોએથી પત્તાપ્રેમીઓને પકડી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વીસીપરા ધોળેશ્વર રોડ અમરશી બાપાની વાડીમાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા સ્થળ પર જુગાર રમતા વીસીપરા ધોળેશ્વર રોડ અમરશી બાપાની વાડીમાં જ રહેતા ભલાભાઇ માધુભાઇ પીપળીયા અને રોહીતભાઇ વીરજીભાઇ પીપળીયા નામના શખ્સો મળી આવ્યા હતા. જયારે વીસીપરા મેઇન રોડ વેલનાથ પાન સામે રહેતો સતીષ ઉર્ફે વલીયો રમેશભાઇ ડેડવાણીયા નામનો શખ્સ ફરાર થયો હતો. ત્યારે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપીયા-૨૦૪૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે અન્ય બનાવમાં મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે મોરબીના ધરમપુર ગામ, રામાપીરના નેજા પાસે રેઇડ કરી હતી અને જાહેર જુગાર રમતા માળીયા-ફાટક, સર્કિટ હાઉસ પાસે પાસે રહેતા જીજ્ઞેશભાઇ ખોડાભાઇ મુલારીયા, મોરબીના ટીંબડી ગામે રહેતા નરેન્દ્રસિંહ અભેસિંહ રાઠોડ અને મોરબીના ટીંબડી ગામે રહેતા બેચરભાઇ ગણેશભાઇ વડસોલાની અટકાયત કરી છે. તેમજ આરોપીઓ પાસેથી રોકડા રૂ ૧૧૫૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસના એક બાદ દરોડાઓને લઇ પત્તાપ્રેમીઓમાં ફફડાટ ફેલાયો છે.