2014માં યુએન દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. એ પછી દર વર્ષે 21 જૂને અલગ અલગ શહેરમાં તેની ઉજવણી કાર્યક્રમો યોજી કરવામાં આવે છે. ત્યારે નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત મોરબી જિલ્લા પોલીસ દ્વારા મોરબી સીટી વિસ્તારમાં બાઇક રેલીનુ આયોજન કરવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, આગામી તા.૩૧.૦૬.૨૦૨૩ ના રોજ નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજયમા થનાર છે. જે અંતર્ગત ગૃહ વિભાગ દ્વારા તા.૧૮/૦૬/૨૦૨૩ ના રોજ બાઇક રેલીના માધ્યમથી યોગ અંગેની જાગૃતી કાર્યક્રમનુ આયોજન કરવા માટે તમામ પોલીસ સ્ટેશનોમાં સુચના કરવામા આવ્યું છે. જે અનવ્યે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક પી.એસ.ગોસ્વામીની અધ્યક્ષતામા આજરોજ મોરબી સીટી ટાઉન વિસ્તારમા બાઇક રેલીનુ આયોજન કરવામા આવેલ હતું. આ કાર્યક્રમમા નાયબ પોલીસ અધિક્ષક પી.એસ. ગોસ્વામી, પી.એલ.ઝાલા, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.એ. વાળા, પોલીસ હેડ કવાર્ટરનાં રીઝર્વ પોલીસ ઇન્સપેકટર એસ એમ.ચૌહાણ તેમજ ૧૦૦ જેટલા પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો.