ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અનેક વાર દારૂની રેમલછેલ જોવા મળે છે. જેને અટકાવવા પોલીસ તંત્ર એલર્ટ થયું છે. ત્યારે મોરબી જિલ્લામાં પ્રોહિબિશનની બદીને અટકાવવા માટેના પગલાં લેવા જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીએ જણાવતા મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે ત્રણ સ્થળોએ દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.
પ્રથમ દરોડામાં, માળીયા મી.ના નાની બરાર પ્રાથમીક સ્કુલની આગળ મેઇન બજારમા આવેલ આશીષ ઉર્ફે મુન્નાભાઇ વાલજીભાઇ ડાંગરના રહેણાંક મકાનમાં ગેર કાયદેસર રીતે વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી મળતા માળીયા મી. પોલીસે સ્થળ પર રેઇડ કરી પરપ્રાંતીય વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ રૂ.-૯૩૭૫/-ની કિંમતની ૨૧ બોટલો તથા ૭૨૦૦/- રૂપિયાના ૭૨ બીયર ટીન મળી કુલ રૂ.૧૬,૫૭૫/-નો મુદામાલ કબ્જે કરી આરોપી આશીષ ઉર્ફે મુન્નાભાઇ સ્થળ પર નહિ મળી આવતા તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
બીજા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, GJ-13-AR-2290 નંબરની ઇકો કારમાં જામસર ચોકડી પાસેથી વાંકાનેરમાં દારૂ ઘુસાડવામાં આવનાર છે. જે હકીકતના આધારે પોલીસે જામસર ચોકડીથી મક્તાનપર ગામ તરફ જતા રસ્તા પર જી.ઇ.બી. ના સબસ્ટેશન થી આગળ રોડની સાઇડમાં વોચ ગોઠવી હતી. પરણરૂ આરોપી પોલીસને જોઈ જતા પોતાની ઇકો કાર સ્થળ પર જ મૂકી ફરાર થઇ જતા પોલીસે શંકાસ્પદ ઇકો કારને તપાસતા તેમાંથી ઇગ્લીશ દારૂની મેક ડોવેલ્સ નં.૧,ક્લેક્શન વ્હીસ્કીની રૂ.૧,૦૭,૬૨૫/-ની કિંમતની ૨૮૭ બોટલ, ઓલ સીઝન ગોલ્ડન કલેકશન,રીઝર્વ વ્હિસ્કીની રૂ.૪૦,૮૦૦/- ની કિંમતની ૬૮ બોટલો મળી ઇકો કારના 3,00,000 ગણી કુલ .રૂ.૪,૪૮,૪૨૫/-નો મુદ્દામાલ કબ્જ કર્યો છે. અને ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ત્રીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ ચેકિંગમાં હતી. ત્યારે તેઓએ લાતી પ્લૉટ શેરી નં.૫ ના નાકા પાસે શંકાસ્પદ જણાતી જીજે-૩૮-એજી-૬૪૩૯ નંબરની મોટરસાઇકલને રોકી તેના ચાલક શાહરૂખ ઈકબાલભાઈ બુચડ ( રહે વાવડી રૉડ ક્રિષ્ના પાર્ક સોસાયટી શેરી નં.૪ મોરબી)ની પૂછપરછ કરી તેની પાસે રહેલ સમાન તપાસતા તેમાંથી વિદેશી દારૂની મેકડોલ્સ નં.૧ ની રૂ.૧૧૨૫/-ની કિંમતની ૩ બોટલો મળી આવતા પોલીસે દારૂ તથા રૂ.૩૦,૦૦૦/-ની કિંમતની મોટરસાઇકલ મળી કુલ રૂ.૩૧,૧૨૫/-નો મુદામાલ કબ્જે કરી આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.