ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં રાજસ્થાન હરિયાણા પંજાબ એમ અલગ અલગ રાજ્યમાંથી બુટલેગરો દ્વારા દારૂ મગાવી તેની હેરાફેરી કરવામાં આવે છે. જેના પર મોરબી જિલ્લા પોલીસે તવાઈ બોલાવી છે. અને મોરબી જિલ્લામાં બે સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં, પાનેલી રોડ ઉપર આવેલ કેડા સીરામીક પાસેથી એક ઈસમ વિદેશી દારૂની બોટલ લઈ નીકળનાર છે. જે હકીકતનાં આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી રાખી વિપુલભાઇ બચુભાઇ બલોધરા નામના શખ્સ પર શંકા જતા તેને રોકી શખ્સની તપાસ કરતા તેની પાસેથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની વ્હાઇટ લેક વોડકા ઓરેન્જ ફ્લેવરની ૦૧ શીલપેક બોટલનો રૂ.૩૦૦/- નો મુદ્દામાલ મળી આવતા પોલીસે મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં, હળવદ પોલીસની ટીમે સુંદરગઢ ગામના પાટીયા પાસે બાતમીના આધારે રેઈડ કરી સ્થળ પરથી ભારતીય બનાવટના પરપ્રાંતીય ઈંગ્લીશદારૂની કિંગ્સ વોડકાફોરની ૦૫ બોટલોનો કુલ રૂ.૧૭૫૦નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આરોપી વિજયભાઈ ભુપતભાઈ ડાભી સ્થળ પર હાજર મળી ન આવતા તેને વોન્ટેડ જાહેર કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.