મોરબીમાં ભારે વરસાદ અને પુર જેવી કુદરતી આપદાની પરિસ્થિતિ વચ્ચે મોરબી જીલ્લા પોલીસના વિવિધ પોલીસ મથકોની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ લોકોની જરૂરિયાત મુજબ વરસાદી પડતા પાણી વચ્ચે ખડેપગે રહી લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, ફૂડ પેકેટ, ચા-નાસ્તો તથા વરસાદમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા હોય તેમજ વરસાદમાં પલળતા લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતની કામગીરી હાથ ધરી હતી.
મોરબી જીલ્લાના ટંકારા પોલીસ મથક ટીમ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવેલ જરૂરિયાતમંદ નાગરિકોની મુલાકાત કરી તેઓને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ હતી જ્યારે વાંકાનેર સીટી પોલીસ મથક દ્વારા પેટ્રોલ પંપ ની બાજુમાં અરુણોદય સોસાયટી, ખાડીપરા, નવાપરા, હસનપર, વિસીપરા, શક્તિપરા વિસ્તારના ઘરોમાં ભારે વરસાદી પાણી ભરાઈ ગયાની સ્થિતિ વચ્ચે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તો બીજીબાજુ મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કચ્છ-મોરબી હાઇ-વે બંધ હોય જેથી વાહનવ્યવહાર ડાઇવર્ટ કરવામાં આવેલ છે ત્યારે લોકોને ધીરજથી અને સાવચેતી રાખી વાહન ચલાવવા સુચના આપવામાં આવી તેમજ રસ્તામાં અટવાયેલા ભારે વાહનના ચાલકોને ચા-પાણી તથા નાસ્તાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા સતત ભારે પવન સાથે પડતા વરસાદ વચ્ચે ઓવરબ્રિઝ ઉપર વરસાદમાં પલળતા માનસિક અસ્વસ્થ જેવા લાગતા નાગરિકને નાસ્તો કરાવી સલામત સ્થળ ઉપર ખસેડવામાં આવ્યા હતા.