મોરબી જિલ્લામાં તા.૨૨/૦૯/૨૦૨૫ થી તા.૦૧/૧૦/૨૦૨૫ દ૨મ્યાન શક્તિ આરાધનાનું પર્વ ખુબજ ભક્તિપૂર્ણ માહોલમાં, શાંતિથી અને સુરક્ષા સાથે ઊજવાય તે માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લામાં ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાતા કોમર્શીયલ ગરબા-૦૭, જાહેર ગરબાઓ જયાં મોટી સંખ્યા લોકો એકત્ર થતા હોય તેવા ગરબા-૩૮, અન્ય શેરી ગરબા-પર૬ એમ કુલ મળી આશરે ૫૭૧-ગરબા યોજાનાર છે. તેમજ દશેરા/વિજયાદશમીની ઉજવણી અનુસંધાને નીકળનાર શોભાયાત્રા-03 તથા દશેરા/વિજયા દશમીની ઉજવણી અનુસંધાને રાવણ દહનનો કાર્યક્રમ ૦૪ જગ્યાએ યોજાનાર છે. જેને લઈ આ તહેવારો મોરબીની પ્રજા નિશ્ચિંત થઈને ઉજવી શકે તેવા હેતુથી તેમજ ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને ધ્યાને લઈને મોરબી જિલ્લા પોલીસ દ્વારા તમામ ગરબીઓ, જેમાં ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારની ગરબી ખાતે પુરુષ તથા મહિલા પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં રાખવામાં આવેલ બંદોબસ્તમાં આશરે ૦૧ એસ.પી., ૦૩ ડી.વાય.એસ.પી., ૧૬ પી.આઈ., ૨૨ પી.એસ.આઇ. તથા ૫૩૦ પોલીસ કર્મચારીનો સમાવેશ થાય છે. તેમજ મોરબી જિલ્લાના મહિલા પી.આઈ.ના સુપરવિઝન હેઠળ ૯- SHE TEAM તથા એન્ટી રોમીયો સ્ક્વોડ કાર્ય૨ત રહેશે. મોરબી જિલ્લાના દરેક કોમર્શીયલ અને શેરી ગરબામાં મોરબી પોલીસના મહિલા અને પુરૂષ પોલીસ કર્મચારીઓ ખેલૈયાના કપડામાં હાજર રહી ગુપ્ત રીતે વોચ રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. નવરાત્રીમાં નોરતાં દરમ્યાન સતત પેટ્રોલીંગમાં રહી સીન-સપાટા ક૨તાં કે રોમિયોગીરી કરતાં આવારા તત્વો ઉપર બાજ નજર રાખવા એન્ટી રોમીયો સ્ક્વોડ કાર્યરત કરવામાં આવી છે.
દશેરા/વિજયાદશમી અનુસંધાને રાવણ દહન અને શોભાયાત્રામાં મોરબી જિલ્લા ખાતે રાખવામાં આવેલ બંદોબસ્તમાં આશરે ૩૨૦-પોલીસ અધિકારી/કર્મચારીનો સમાવેશ થાય છે. મોરબી જિલ્લાના કુલ ૨૫ પેટ્રોલીંગ વાહનોમાં ૧૦૦ પોલીસ અધિકારી/કર્મચારી તથા ૫૦ ટ્રાફીક પોલીસ જવાનો દ્વારા સતત પેટ્રોલીંગ કરી, પેટ્રોલીંગ દરમ્યાન કુલ ૩૪-બ્રીધ એનેલાઈઝરનો ઉપયોગ કરી પ્રોહીબિશનને લગત ગુના અટકાવવા માટે અસરકારક કામગીરી કરવામાં આવશે. નવરાત્રી દરમ્યાન ખાસ કરીને ડાર્ડ ફિલ્મ વાળા વાહનો, નંબર પ્લેટ વગરના વાહનો, મોડીફાય સાયલેન્સર વાહનો ડીટેઇન કરી. અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નવરાત્રી તથા દશેરા/વિજયા દશમી તહેવાર અનુસંધાને મોરબી જિલ્લા ખાતે સોશિયલ મિડીયા ઉપર સતત મોનિટરીંગ કરવામાં આવશે, જેમાં મોરબી જિલ્લાની સોશિયલ મિડીયા મોનિટરીંગની કુલ-૧૦ ટીમો તથા પ્રિન્ટ/ઈલેટ્રોનિક મિડીયા મોનિટરીંગની કુલ-૦૨ ટીમો દ્વારા સોશિયલ મિડીયા ઉપર સતત મોનિટરીંગ કરવામાં આવશે. નેત્રમ સીસીટીવી કમાન્ડ કંટ્રોલ રૂમ દ્વારા મોરબી જિલ્લા ખાતે જુદી જુદી જાહેર જગ્યા ૫૨ લગાવવામાં આવેલ કુલ ૧૨૦ સીસીટીવી કેમેરા દ્વારા ખાસ વોચ રાખવામાં આવશે.
મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજકોએ નવરાત્રી તહેવાર દરમ્યાન ધ્યાનમાં રાખવાની બાબતો અંગે જણાવવામાં આવ્યું હતું કે, નવરાત્રી/દશેરા તહેવાર એસ.પી., ડી.વાય.એસ.પી. તેમજ જિલ્લાના તમામ થાણા અધિકારીઓ દ્વારા પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારનાં નવરાત્રી/દશેરા બાબતે યોજાનાર શોભાયાત્રા/રાવણ દહનનાં આયોજકો સાથે મિટિંગ યોજવામાં આવી છે. જેમાં તમામ આયોજકોને નવરાત્રી/દશેરા તહેવારની ઉજવણી અન્વયે તમામ ધર્મ/જ્ઞાતિના લોકો વચ્ચે ભાઈચારાની લાગણી જળવાઈ રહે તે માટે દરેક પોલીસ સ્ટેશન લેવલે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ નવરાત્રીના આયોજકોએ ૧૧૨-જનરક્ષક (પોલીસ ઈમરજન્સી, મહિલા અભયમ વિગેરે) ઈમરજન્સી હેલ્પલાઈન વિગેરેના પોસ્ટરો તેમજ એલ.ઈ.ડી સ્કીન પર પણ અવશ્ય પ્રદર્શિત કરવાના રહેશે. જેથી તમામ લોકો ઈમરજન્સી સમયમાં ઈમરજન્સી હેલ્પલાઈનનો ઉપયોગ કરી શકે. ગરબા આયોજકોએ મંજુરી મેળવેલ પરવાનામાં દર્શાવેલ તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સામાન્ય જનતાને અગવડ ન પડે અને ટ્રાફીકની સમસ્યા ન સર્જાય તે માટે યોગ્ય પાર્કિંગ, લાઈટીંગ, સાઈન બોર્ડ, વોશરૂમ તથા પાણીની આનુષંગિક વ્યવસ્થા ગોઠવવાની રહેશે. ખાનગી પાર્ટી પ્લોટ, પ્રાઇવેટ સિક્યોરીટી, સ્વયંસેવડોની વ્યવસ્થા ડ્રેસ કોડ સાથે રાખવી તેમજ તેઓ દ્વારા આમ જનતા સાથે સભ્યતાપૂર્વક વર્તન કરવા જણાવવામાં આવ્યું છે. એન્ટ્રી એકઝીટ પોઈન્ટ તથા ગરબાના ગ્રાઉન્ડ પર સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરવા અને ડ્રોનનો ઉપયોગ કરવા ખાસ સૂચના અપાઈ છે. ઈલેક્ટ્રીસીટી, મીટર કનેક્શન, ફાયર સેફ્ટી અને સ્ટેજ માટે સ્ટ્રકચર સ્ટેબેલીટી, તેમજ આ તહેવાર અનુસંધાને લગત તમામ એન.ઓ.સી. ફરજીયાત મેળવી લેવાના રહેશે. તેમજ એમ્બ્યુલન્સ તથા ફર્સ્ટ એઈડ ટીમની વ્યવસ્થા રાખવાની રહેશે. પોલીસ દ્વારા આપવામાં આવેલ અવેરનેસના કાર્યક્રમો અવારનવાર ડીસ્પલે પર પ્રસારણ કરવાના રહેશે તથા પોસ્ટર લગાવવાના ૨હેશે.
પોલીસ તરફથી પ્રજા માટે સંદેશ આપતા જણાવવામાં આવ્યું છે કે, માતા-પિતાએ પોતાના બાળકોને પરિચિત/વિશ્વાસુ વ્યક્તિ સાથે જ ગરબા માટે મોકલવા તથા નાના બાળકોને ઘરનું એડ્રેસ, મોબાઈલ નંબર યાદ રખાવવા તેમજ તેની ચિઠ્ઠી બનાવી બાળકોના ખિસ્સામાં આપવી. જો માતા-પિતાએ બાળકોને મોબાઈલ સાથે આપેલ હોય તો પેરેન્ટ કંટ્રોલ એપ્લીકેશન તથા ફેમીલી લિંક એપ્લીકેશન અચૂક ઇન્સ્ટોલ કરી ઉપયોગ કરવો તથા ગરબાના સ્થળે જતાં-આવતાં લાઈવ લોકેશન એકબીજા સાથે શેર કરી રાખવાં. મહિલાઓએ વુમન સેફ્ટી એપ્લીકેશન (181 Abhayam Women Helpline) ઇન્સ્ટોલ કરી રાખવી. જો ગરબા રમવા માટે મિત્રો સાથે આવ્યા હોય તો એકબીજાના સંપર્કમાં રહેવું. નવરાત્રી દરમ્યાન અજાણી/અવાવરૂ જગ્યા પર એકલા જવાનું ટાળવું તેમજ અજાણી વ્યક્તિ પાસેથી લીફ્ટ તેમજ ખાવા-પીવાની કોઈપણ વસ્તુ લેવાનું ટાળવું તેમજ નશાકારક પદાર્થોથી દૂર રહેવું. ગરબા દરમ્યાન મહિલાઓની પરવાનગી વગર ફોટો/વિડીયોગ્રાફી કરવી નહીં તેમજ શારીરિક સ્પર્શથી દુરવ્યવહાર કરવો નહીં કોઈપણ વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય કરશે તો તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નવરાત્રી દરમ્યાન ટ્રાફીકના નિયમો તેમજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાનું પાલન કરવું. કોઈપણ પરિસ્થિતિમાં કાયદો હાથમાં ના લેતા પોલીસ હેલ્પલાઈન (૧૧૨) તથા લગત પોલીસ સ્ટેશનના અમલદારને જાણ ક૨વી.