મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ જિલ્લા અધ્યક્ષ દિનેશ વડ સોલાર લેખન કર્યું છે જેમાં વર્તમાન સમયની અંદર માનવી સ્માર્ટ થતો જઈ રહ્યો છે તો સાથે સાથે પાંગણો પણ થતો જઈ રહ્યો છે તે બાબતે ખૂબ સરસ લેખન કર્યું છે. જેમાં દિન બ દિન શક્તિ હિન થતો માનવી તે વિષય પર લેખન કર્યું છે. વૈજ્ઞાનિક શોધોનો આવિષ્કાર થયો ગયો તેમ દિન બ દિન હિન ક્ષીણ શક્તિ હિન થતો ગયો છે. જે અનેક દૃષ્ટાંતો દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
જંગલમાં રહી મંગલ કરનારો ગમે તેવી મુસીબતો સામે જીક જીલનારો માનવી, કરોડો વર્ષોની કઠણાઈ ભરી સાહસિક સફર પછી આજે માણસ કોમળ બની ગયો છે, થોડી અગવડો, થોડી મુશ્કેલીઓ, થોડા દુઃખો સામેં લડવાના બદલે બિચારો, બાપડો અને લાચાર બની ગયો હોય એવું લાગી રહ્યું છે. ત્યાર બાદ રામાયણ અને મહાભારત કાળમાં માણસ દિવ્ય શક્તિ ધરાવતો હતો. એ સમયનો માણસ ખૂબ જ લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય ધરાવતો હતો. ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ સ્થિરતા અને ધીરતા જાળવી રાખતો અને દિવ્ય જીવન જીવતો હતો. ત્યારબાદ મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, પૃથ્વીરાજ ચૌહાણ, રાણી લક્ષ્મીબાઈ વગેરે રાજવીઓ પણ પ્રચંડ શક્તિ ધરાવતા હતા. ત્યાર બાદ વિદેશી આક્રમણકારો સામે પણ માણસ મજબુત બની, અડીખમ બની લડ્યો હતો. કાલા પાણીની સજા ભોગવી, જેલમાં રહી ચક્કી પીસવી, કાળી મજૂરી કરવી, રાષ્ટ્ર માટે હસતા મુખે ફાંસીના માંચડે ચડી જવુ વગેરે અનેક દર્દનાક યાતનો સહન કરીને માતૃભૂમિને હજારો વર્ષોની ગુલામીમાંથી મુક્ત કરાવી માનવી મજબૂતાઇ સાથે ટકી રહ્યો પરંતુ જેમ-જેમ વૈજ્ઞાનિક શોધોનો આવિષ્કાર થતો ગયો તેમ-તેમ માણસ દિન બ દિન ક્ષીણ શક્તિ હીન થતો ગયો છે. એક સમયે માઈલોના માઈલો ચાલતો માણસ આજે એક કિલોમીટર પણ ચાલી શકતો નથી. એક સમયે સો કિલોથી વધુ વજન વહન કરનાર વ્યક્તિ વીસ કિલો વજન પણ ઉપાડી શકતો નથી. એક સમયે આંટી-ઘુંટીવાળી ગણતરી કરી શકતો માણસ સામાન્ય ગુણાકાર કરવા માટે પણ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતો થયો છે. અડધા, પાયા, પોણાના ઘડિયા કડકડાટ બોલતા માણસને સાદા ઘડિયા બોલવામાં પણ ફાંફાં પડે છે. ધોમધખતા તાપમાં કામ કરતા માણસને ઘરના ટાઢા છાંયામાં પણ ગરમી લાગે છે. એક સમયે એકદમ નિરોગી અને સ્વસ્થ માણસ આજે અનેક રોગોથી ગ્રસ્ત અને ત્રસ્ત છે. એક સમયે ખૂબ લાંબુ આયુષ્ય ભોગવનાર માણસનું આયુષ્ય આજે ટૂંકું થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. જાત જાતની દવાની શોધોના કારણે જરાક શરદી થઈ હોય તો પણ દવાખાને દોડી જનારો માણસ પોતાની અંદરની ઇમ્યુન્ટિ ખોઈ બેઠો છે. એક સમયે ઘસઘસાટ ઊંઘી જતો અને ખડખડાટ હાસ્ય સાથે જીવન જીવતો માણસ આજે ટેંશન અને ફ્રસ્ટેશનમાં જીવતો થયો છે. એક સમયે જીવન ઝંઝાવાતો સામે બાથ ભીડનારો માણસ નાની સરખી નિષ્ફળતાથી આત્મહત્યા કરતો થયો છે. એક સમયે નેકી, ટેકી અને નીતિથી જીવનારા માણસને આજે ભ્રષ્ટાચારનો ભોરીંગ આભડી ગયો છે. શુદ્ધ અને સાત્વિક જીવન જીવતો માણસ કુટુંબ, સમાજ, રાષ્ટ્ર માટે મરી ફિટનારો માણસ આજે સ્વાર્થી બની, દગા, પ્રપંચ કરી, ખૂની ખેલ ખેલતો થઈ ગયો છે. માણસ વાણી, વર્તન અને વર્તુણુંકથી હીન બન્યો છે. આજે પચાસ વર્ષની ઉંમર ધરાવતા વ્યક્તિની વાત કરીએ તો.. એમના દાદા જેટલા સ્વસ્થ અને નિરોગી, મનથી મજબૂત અને તનથી તંદુરસ્ત હતા એટલા એના પિતા સ્વસ્થ અને તંદુરસ્ત નથી જેટલા એના પિતા સ્વસ્થ અને નિરોગી છે. એટલો પોતે તન-મનથી તંદુરસ્ત નથી અને જેટલો પોતે સ્વસ્થ છે એટલો એમનો પુત્ર કે પુત્રી સ્વસ્થ નથી જેટલા એમના પુત્ર કે પુત્રી નિરોગી છે. એટલા એમના પૌત્ર કે પૌત્રી તંદુરસ્ત નથી. આમ દિન પ્રતિદિન માણસ દીન હીન ક્ષીણ અને શક્તિહીન બનતો જાય છે. અંતમાં એટલું જ કહ્યું છે કે…. મંજિલે ઉન્કો મિલતી હૈ જીનકે સપનોમેં જાન હોતી હૈ, પરોં સે કુછ નહીં હોતા હોંસલો સે હી ઉડાન હોતી હૈ, આ લેખન દ્વારા લોકોને આધુનિક યુગમાં પોતાની અંદર રહેલી શક્તિ ખોય બેઠા છે તે બાબતે ધ્યાન દોરી માનવી શક્તિ હિન થયો છે તે વાસ્તવિકતા સામે અરીસો દેખાડ્યો છે.