મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા ન્યુ પેલેસ ખાતે પરંપરાગત રીતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૪ થી ૨૬ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ ત્રણ દિવસીય મહોત્સવનો આજ રોજ શુભ પ્રારંભ થયો છે, જેમાં બહોળી સંખ્યામાં સમાજની બહેનો અને દીકરીઓ પરંપરાગત વસ્ત્રોમાં રાસ-ગરબા લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે આયોજિત થતા નવરાત્રી મહોત્સવનું આ વર્ષે પણ ભવ્ય આયોજન ન્યુ પેલેસ ખાતે કરવામાં આવ્યું છે. તા. ૨૪ થી ૨૬ સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજ રાત્રે ૮ વાગ્યાથી રાસ-ગરબા શરૂ થશે. ત્યારે તા. ૨૪ સપ્ટેમ્બરે મહોત્સવનો જાજરમાન પ્રારંભ થયો છે. મોરબી જીલ્લા રાજપૂત સમાજના મહામંત્રી મહાવીરસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, સમાજની માતા-બહેનો અને દીકરીઓ પરંપરા તથા સંસ્કૃતિ મુજબ આનંદપૂર્વક રાસ-ગરબામાં જોડાઈ શકે તે માટે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબીના રાણીસાહેબ વિજયકુંવરબા ઓફ મોરબી તરફથી વિશેષ સાથ-સહકાર પ્રાપ્ત થયો છે. સ્થળ પર મોટી સંખ્યામાં સમાજની બહેનો પરંપરાગત રજવાડી પોશાકમાં ઉપસ્થિત રહી મહોત્સવને શોભાયમાન બનાવ્યો છે.
આ રાસોત્સવના સફળ આયોજન માટે મહામંત્રી મહાવીરસિંહ એન. જાડેજા, પ્રમુખ દશરથસિંહ ઝાલા, ઉપપ્રમુખ મહાવીરસિંહ ચાંદલી તથા સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી છે. સાથે જ રાજમાતાશ્રી વિજયકુંવરબા તથા જીલ્લા રાજપૂત સમાજ તરફથી વિવિધ પુરસ્કારો પણ અર્પણ કરવામાં આવશે તેમ યાદીમાં જણાવ્યું છે.