મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સારો વરસાદ વરસતા ખેડૂત વર્ગમાં ખુશી છવાઈ છે. જીલ્લામાં ૧.૨૪ ઇંચથી લઈને પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેમાં માળીયા તાલુકામાં સર્વાધિક ૧૧૬ મીમી (૪.૬૪ ઇંચ) વરસાદ પડ્યો છે. મોરબી, ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકાઓમાં પણ સાર્વત્રિક વરસાદ વરસતા ખેતીને વેગ મળ્યો છે.
મોરબી જીલ્લામાં હવામાન વિભાગ તથા જીલ્લા ફ્લડ કંટ્રોલ રૂમમાંથી મળેલી માહિતી મુજબ ગઈકાલે તા.૦૭/૦૯ના સવારે ૬ વાગ્યાથી આજ રોજ તા.૦૮/૦૯ના સવારે ૬ વાગ્યા સુધીના ૨૪ કલાક દરમિયાન જીલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આ દરમિયાન માળીયા તાલુકામાં ૧૧૬ મીમી (૪.૬૪ ઇંચ) વરસાદ સાથે સર્વાધિક નોંધાયો છે. મોરબી તાલુકામાં ૮૫ મીમી (૩.૪ ઇંચ), ટંકાર તાલુકામાં ૬૪ મીમી (૨.૫૬ ઇંચ), હળવદમાં ૬૨ મીમી (૨.૫૦ ઇંચ) તથા વાંકાનેરમાં ૩૧ મીમી (૧.૨૪ ઇંચ) વરસાદ પડ્યો છે. જીલ્લાભરમાં ૧.૨૪ ઇંચથી લઈને પોણા પાંચ ઇંચ સુધીનો વરસાદ નોંધાતા ખેડૂતોમાં વરસાદથી રાહત અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. હાલ મચ્છુ-૧ ડેમ ૧૦૦% ભરાયો છે, જ્યારે મચ્છુ-૨ ૯૦% સુધી ભરાઈ ગયેલ હોય, આ સિવાય હળવદ તાલુકાનો બ્રાહ્મણી-૧ ડેમ અને ટંકારા તાલુકાનો ડેમી-૨ ડેમ પણ ૧૦૦% ભરાયો છે.