મોરબી જિલ્લામા અપમૃત્યુના પાંચ બનાવો સામે આવ્યા છે જેમાં અકસ્માતના બે બનાવમાં બે મોત અને નર્મદાની કેનાલમાં અકસ્માતે પડી જતા યુવાનનું મોત સહિત મોત અંગે પાંચ બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.
અપમૃત્યુના બનાવની પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ મોરબી તાલુકાના સોખડા પાટિયાથી સોખડા ગામને જોડતા રસ્તામાં ખાખરાવાળીની સીમમાં બાઈક આડે રોઝડું ઉતરતા અકસ્માત સર્જાયો હતો. બેફામ સ્પીડે દોડતી બાઈક આડે અચાનક રોઝડું આવી જતા ચાલકે કાબુ ગુમાવ્યો હતો જેમાં ભીખુભાઇ નટુભાઈ બળદાને ગંભીર ઇજા થતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અંગે મૃતકના ભાઈએ મોરબી તાલુકાના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અન્ય અકે બનાવમાં ટંકારા લતીપર રોડ પર આવેલ કલ્યાણપર ગામ નજીક બોલેરો પિકાઅપના ચાલકે ચાર વર્ષની દીકરી પાયલબેન અનારેને આડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં પાયલને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના પિતા ભૂરાભાઈ અનારે પોલિસ ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામેં ટેક્ષા કારખાનની સામે આવેલ નર્મદા કેનાલમાં અકસ્માતે યુવાન પડી ગયો હતો જેમાં જળ પ્રવાહમાં ડૂબી જતાં વિનોદકુમાર સંતરાય યાદવનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
અન્ય એક કેસમાં મોરબી તાલુકાના બેલા રોડ પર આવેલ સેનેઝા સીરામીકમાં શિવકાંટા સામે રહેતા સંગીતાબેન મુનભાઈ ખૂંખળ નામની ત્રીસ વર્ષીય પરિણીતાએ ઓરડીમાં અગમ્ય કારણોસર ગલફાંસો ખાઈ મોત વ્હાલું કરી લીધું હતું.
વાંકાનેર તાલુકાના નિર્મલા સ્કૂલ પાસે રાતીદેવળી રોડ પર રહેતા નિઝામખાન રમજાનખાન નિલનગર (ઉ.વ.50) નું કોઈપણ કારણસર મોત નિપજતા આગળની તપાસ અર્થે મૃતદેહને હોસ્પિટલ ખસેડાયો હોવાનું જાહેર થવા પામ્યું છે.