ઉત્તરાયણ પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જેના વગર ઉત્તરાયણ પર્વની ઉજવણી અધૂરી છે તેવા પતંગ દોરાનું બજારમાં ધોમ વેચાણ થઈ રહ્યું છે. જે દરમિયાન હળવદના જીવદયા પ્રેમી અને મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રીએ પ્રતિબંધિત ચાઈનિશ દોરી અને તુંક્કલનું ગેરકાયદેસર વહેચાણ ન થાઇ તે માટે તંત્રને આદેશ કરવા બાબતે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને લેખિત રજુઆત કરાઈ છે.
હળવદના જીવદયા પ્રેમી અને મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવેએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કરેલી રજુઆતમાં જણાવ્યું કે દાન પુણ્ય અને આનંદ ઉત્સાહના અવસર ઉત્તરાયણમાં પતંગ ઉડાવી બાળકો સહિતના મોટેરા પણ મજા માણતા હોય છે જેમાં ચાઈનિશ દોરી તુકકલના ઉપયોગથી માનવીઓ અને અબોલ પશુ પક્ષીઓને ગંભીર રીતે ઇજા થતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે.હાલ ઉત્તરાયણ પર્વ ને આડે આંગળીના ટેરવે ગણી શકાય તેટલા દિવસો બાકી છે ત્યારે આ કાતિલ ચાઇનીસ દોરી અને તુક્કલનું ગેરકાયદેસર વહેચાણ સદંતર બંધ થાય તો અનેક અબોલ પશુ પક્ષીઓ અને મહામૂલી માનવ જિંદગીઓ ને ઘાયલ અને મોતના મુખમાંથી બચાવી શકાય. આથી આપની કક્ષાએથી જવાબદાર અધિકારીઓને કડક સૂચના આપી તુકકલનું વેચાણ અટકાવવા રજૂઆતના અંતમાં માંગ કરાઈ છે.