Saturday, November 15, 2025
HomeGujaratમોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેક્ટર અને પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર અપાશે

મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેક્ટર અને પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર અપાશે

મોરબી: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્યના આહ્વાન પર મોરબીના શિક્ષકો બીએલઓ ફરજ દરમ્યાન ઉભી થતી મુશ્કેલીઓ, ધરપકડ વોરંટ જેવી દમનકારી કાર્યવાહી અને વધારાની ઓનલાઈન કામગીરીના મુદ્દાઓને લઈને આજરોજ તા.૧૫ નવેમ્બર ૨૦૨૫ના રોજ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપશે. જેમાં બીએલઓની ફરજો સરળ બને, સમાન વહેંચણી થાય અને શિક્ષક સન્માન જળવાઈ રહે એવા મુદ્દાઓ રજૂ કરાશે.

- Advertisement -
- Advertisement -

મોરબી: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય તરફથી આપવામાં આવેલ આહવાન અનુસંધાને મોરબી મહાસંઘ દ્વારા બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પડતી મુશ્કેલીઓ અંગે તા. ૧૫ નવેમ્બર ૨૦૨૫ શનિવારના રોજ મોરબી કલેકટર કચેરી ખાતે કલેક્ટર અને વિવિધ વિધાનસભા સીટના પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવશે. SIR હેઠળ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ શરૂ થયા પછી શિક્ષકોને અતિરિક્ત કામગીરી, અયોગ્ય દબાણ અને અપમાનજનક પ્રક્રિયાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને સમગ્ર રાજ્યના શિક્ષક સમાજમાં નારાજગી વ્યાપી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીના સુધારણા માટે ૪ નવેમ્બરથી ૪ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન બીએલઓએ ઘરે ઘરે જઈ એન્યુમરેશન ફોર્મ ભરવાનું કાર્ય હાથ ધર્યું છે, જેનો અંતિમ તબક્કો ૭ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ચાલશે. પરંતુ આ કામગીરી શાળાકીય ફરજ બાદ પૂર્ણ કરવી શિક્ષકો માટે મુશ્કેલ બની છે. ડોર-ટુ-ડોર મુલાકાત, ફોર્મ ભરાવવાની પ્રક્રિયા, દરેક મતદારને સમજાવવાની જવાબદારી અને તેના પર વધારાના ઓનલાઈન એન્ટ્રીના ભારને કારણે શિક્ષકોમાં ભારે માનસિક દબાણ સર્જાયું છે. આ ઉપરાંત જ્યારે-ત્યારે મીટિંગમાં હાજરી માટેની કડક સૂચનાઓ અને યોગ્ય કારણસર ગેરહાજરી થાય તો મામલતદાર અથવા કલેક્ટર કચેરીમાંથી ધરપકડ વોરંટ જારી થવાની પ્રવૃત્તિ શિક્ષકોને અતિશય અપમાનજનક અનુભવાય છે.

શિક્ષકોનું માનવું છે કે તેઓ શિક્ષણની સાથે રાષ્ટ્રીય ફરજો પણ નિષ્ઠાપૂર્વક નિભાવતાં આવ્યા છે, પરંતુ બીએલઓ કામગીરીમાં દબાણ અને શિસ્તભંગની નોટિસો આપવાની પદ્ધતિ તંત્રની ડંડાધોરીનું સ્વરૂપ ધારણ કરી રહી છે. SIR પ્રક્રિયામાં ઉમેરાયેલ ઓનલાઈન કાર્ય માટે જરૂરી ટેકનિકલ સગવડો જેમ કે ડેટા, મોબાઈલ, લેપટોપ કહેવાતું કોઈપણ સાધન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું નથી, છતાં શિક્ષકોને એન્ટ્રી માટે મજબૂર કરવામાં આવે છે. આ ઉપરાંત બીએલઓ ફરજોની વહેંચણીમાં અસમાનતા છે, કારણકે હાલમાં ૯૦ ટકા કરતાં વધુ બીએલઓ શિક્ષકો જ છે, જ્યારે કેન્દ્રિય ચૂંટણી આયોગે અન્ય ૧૨ કેડરના કર્મચારીઓમાંથી પણ સમાન ફાળવણી કરવાનો આદેશ આપેલો છે. શિક્ષકોનો આક્ષેપ છે કે આવા દબાણસભર વાતાવરણમાં તેઓનું સન્માન અને કાર્યપ્રતિષ્ઠા બંને નુકસાન પામે છે. શિક્ષણક્ષેત્રની ગુણવત્તા વધારવા માટે જરૂરી છે કે શિક્ષકોને ડેટા ઓપરેટર સમાન ફરજોમાં નહિ પરંતુ શિક્ષણકાર્યમાં વધુ સમય અને ઉર્જા આપવા તક મળે. આથી બીએલઓ કામગીરી માટે શાળા-શિક્ષકોને બદલે અલગ કેડર રચવાની માંગણી પણ મહાસંઘ દ્વારા કરવામાં આવી છે.

આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મોરબી મહાસંઘે ૧૫ નવેમ્બરે કલેકટર કચેરી ખાતે સંગઠિત હાજરી આપવા અને રાજ્યના મુખ્યમંત્રી તેમજ મુખ્ય ચૂંટણી અધિકારી સુધી આ આવેદન પહોંચાડવાનું નક્કી કર્યું છે. શિક્ષકોનું એકમત માનવું છે કે બીએલઓના સન્માન, સુરક્ષા અને કાર્યપરિસ્થિતિમાં સુધારણા લાવવા માટે આ રજુઆત અત્યંત જરૂરી બની છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!