- નંબર પ્લેટ વગરના મોટર સાયકલ ઉપર આવેલ ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો.
મોરબીમાં વધતા ક્રાઈમ વચ્ચે વધુ એક બનાવ સામે આવ્યો છે. લીલાપર-ઘુનડા રોડ પર બાઈક પર જઈ રહેલા યુવકને અન્ય નંબર પ્લેટ વગરના બાઇક ઉપર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ આંતરી છરી વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. તથા જી.પી.એક્ટ મુજબ ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબીમાં હાલ કાયદો વ્યવસ્થાની વણસી રહેલી પરિસ્થિતિ વચ્ચે સિરામિક નગરી હવે ક્રાઈમ નગરીમાં ફેરવાઈ રહી હોવાની ચર્ચા ઉઠી છે. દિનદહાડે લૂંટ, રહેણાંકમાં ચોરી, દારૂ-જુગાર જેવા ગેરકાયદેસર કૃત્યો વધતા નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે. આવી જ સ્થિતિમાં વધુ એક જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ફરિયાદી અનીલભાઈ ધનજીભાઈ રાઠોડ ઉવ.૩૦ રહે. લીલાપર ગામ તા.જી. મોરબી ગત તા.૧૩/૦૨/૨૦૨૬ની રાત્રે પોણા દસ વાગ્યાના અરસામાં લીલાપર ઘુનડા રોડ ઉપર શિવમ પાર્ટી પ્લોટથી આગળ ગાયત્રી સ્ટોન ક્રશર પાસે જઈ રહ્યા હતા. ત્યારે કાળા કલરના નંબર પ્લેટ વગરના હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ ઉપર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેમનું બાઈક આગળ અટકાવી, આરોપીઓ પૈકી લાલ શર્ટ પહેરેલા ઈસમે ફરીયાદીને મારી નાખવાના ઈરાદે છરી વડે પેટ, છાતી, વાસા અને જમણા ગાલે નાક પાસે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ દરમિયાન સાથેના અન્ય બે ઈસમોએ ઢીકાપાટુનો માર મારી હુમલામાં મદદગારી કરી હતી. હાલ તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ બીએનએસ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.









