મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા તા.૦૬/૦૧/૨૦૨૬ થી ૧૨/૦૧/૨૦૨૬ દરમિયાન શહેરની પાંચ ઇન્ડસ્ટ્રીઝમાં કુલ ૧૦૭ કર્મચારીઓને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી હતી. આ સાથે સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ કરી, ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગોને નોટીસ આપવામાં આવી હતી. અગાઉ અપાયેલ નોટીસના પગલે નવી ફાયર સિસ્ટમ લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે.
મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ફાયર પ્રિવેન્શનને વધુ અસરકારક બનાવવા માટે તા.૦૬/૦૧/૨૦૨૬ થી ૧૨/૦૧/૨૦૨૬ દરમ્યાન વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન શહેરની પાંચ ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર સેફ્ટી અને પ્રિવેન્શન અંગે વિશેષ તાલીમ યોજાઈ, જેમાં કુલ ૧૦૭ કર્મચારીઓને આગ લાગ્યાના સમયે લેવાયેલી તકેદારી, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ તથા ઇમરજન્સી પ્રતિભાવ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રિવેન્શનના ભાગરૂપે સમાજવાડી, કોમ્પ્લેક્ષ તેમજ ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર NOCની ચકાસણી કરવામાં આવી. ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગોને નોટીસ આપવામાં આવી તેમજ જરૂરી સૂચનો અને ગાઈડલાઈન પણ આપવામાં આવી હતી. અગાઉ આપવામાં આવેલી નોટીસના પરિણામે ૧૭૨ કોમ્પ્લેક્ષ અને ૩૪ સમાજવાડીમાં ફાયર સિસ્ટમ લગાવવામાં આવી છે અથવા તેની કામગીરી ચાલુ છે. આ દરમ્યાન ફાયર સેફ્ટી અપ્રુવલ માટે આવેલી ૦૪ અરજીઓને આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી છે.
આ સમયગાળા દરમિયાન મોરબીમાં બે જગ્યાએ આગ લાગવાના બનાવ નોંધાયા હતા, જેમાં ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સંપૂર્ણ PPE સહિત આધુનિક સાધનો, હેલ્મેટ, ગમબૂટ, વન લેયર સુટ અને હેન્ડ ગ્લોઝ પહેરીને અસરકારક રીતે ફાયર ફાઈટીંગ કરવામાં આવ્યું હતું. ચીફ ફાયર ઓફિસર મોરબી મહાનગરપાલિકાએ અપીલ કરી છે કે કોઈપણ આગ અથવા ઇમરજન્સી સમયે તાત્કાલિક મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસના નંબરો (૦૨૮૨૨) ૨૩૦૦૫૦, ૧૦૧ તથા ૧૧૨ પર સંપર્ક કરવો, જેથી નાની-મોટી દુર્ઘટના કે મોટી આપદા ટાળી જાન-માલની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.









