મોરબી સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ફ્રોડ અને છેતરપીંડીના નાણાં સગેવગે કરવા ચલાવવામાં આવતા સિન્ડિકેટ બાબતે ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપીઓએ એજન્ટો મારફતે બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડથી મેળવેલ રકમ જમા કરાવી ચેક તથા એટીએમથી વિડ્રોલ કરી મ્યુલ એકાઉન્ટ્સના કમિશન પેટે આર્થિક લાભ મેળવ્યો હતો.
મળતી માહિતી મુજબ, મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા નોંધાયેલ ફરિયાદ મુજબ આરોપી સાહીદભાઈ સુભાનભાઈ મુલતાની રહે.ભુવનેશ્વરી પાર્ક શોભેશ્વર રોડ મોરબી, વિરલ હિમતભાઈ ઇસલાણીયા, દિપેશ હિમતભાઈ ઇસલાણીયા બન્ને રહે.મોરબી, તથા સમીર બદીયાણી રહે.રાજકોટ વાળા એમ તમામ આરોપીઓએ મળીને સાયબર ફ્રોડ અને છેતરપીંડીથી મેળવેલ નાણાં સગેવગે કરવા પૂર્વ આયોજનબદ્ધ કાવતરૂ રચ્યું હતું. આ ગુનામાં IDBI બેંકના એકાઉન્ટ નંબર 696104000021650 માં રૂ. ૯,૦૮,૭૮૫/-ની રકમ જમા કરાવી, બાદમાં તે રકમ ચેક તથા એટીએમ મારફતે ઉપાડી સગેવગે કરાઈ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ અલગ-અલગ વ્યક્તિઓને એજન્ટ બનાવી કમિશનની લાલચ આપી સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરાવવાની પ્રવૃત્તિ સતત ચાલુ રાખી ગુનાહિત સિન્ડિકેટ રચી આર્થિક લાભ મેળવ્યો હતો. આ મામલે મોરબી સાયબર ક્રાઇમ પોલીસે તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૧(૨)(બી), ૩૧૬(૫), ૩૧૮(૪), ૬૧(૨), ૫૪ તથા ૩૧૭(૨) મુજબ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









