મોરબીની શિક્ષિકાને લગ્નના ખોટા વાયદા આપી શરીર સંબંધ બાંધી, બિભત્સ વિડીયો બનાવી સગા સંબંધીઓને મોકલી તેના લગ્નમાં ભંગાણ પાડી ધમકીઓ આપનાર મોરબી જીલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિજયભાઈ સરડવાને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ૧૦ વર્ષની સજા અને રૂ. ૫.૨૦ લાખ વળતર આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.
મોરબીમાં શિક્ષિકા સાથે છેતરપિંડી, શારીરિક શોષણ અને માનહાનિનો ગંભીર કેસ વર્ષોથી ચર્ચામાં રહ્યો હતો. આ કેસમાં મોરબી જીલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિજયભાઈ કેશવજીભાઈ સરડવા રહે.રવાપર રોડ બોની પાર્ક, ધરતી ટાવર વાળાએ પીડિતા શિક્ષિકા સાથે આરોપી વિજયભાઈએ ૨૬/૦૧/૨૦૧૭ થી ૨૮/૦૨/૨૦૧૮ વચ્ચે મિત્રતા કેળવી હતી. પોતાની પત્ની સાથે છૂટાછેડા લઈ અને પોતે લગ્ન કરશે એવા ખોટા વાયદાઓ કરીને આરોપીએ પીડિતાને રાજકોટના ફ્લેટમાં લઈ જઈ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ દરમ્યાન તેણે ગુપ્ત રીતે બિભત્સ વિડીયો ક્લિપ્સ તથા ફોટા ઉતાર્યા હતા અને બાદમાં આ ફોટા-વિડીયો પીડિતાના સગા-સંબંધીઓને વોટ્સએપ દ્વારા મોકલી તેના સગાઈ અને લગ્નજીવનમાં ભંગાણ પાડી માનહાનિ કરી હતી. વધુમાં, પીડિતાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલ હતી.
ત્યારે સમગ્ર બનાવ મામલે શિક્ષિકાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસમાં તત્કાલીન એ ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરી તથા તેમના રાઇટર મહેન્દ્રસિંહ ઝાલા એ.એસ.આઇ તથા વિજયભાઈ ચાવડા પોલીસ હેડ કોન્સ તથા ફતેસિંહ પરમાર પોલીસ કોન્સ્ટેબલનાઓએ કરી આરોપી વિરુદ્ધ મજબૂત ચાર્જશીટ તૈયાર કરી હતી. જે બાદ આ કેસ મોરબી અધિક જીલ્લા અને સેશન્સ જજ કે.આર. પંડ્યા સાહેબની ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા જ્યાં સરકારી વકીલ એન.ડી. કારીયા દ્વારા અસરકારક રીતે કેસ રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપી વિજયભાઈ કેશવજીભાઈ સરડવાને તમામ મુદ્દાઓમાં દોષિત ઠેરવીને ૧૦ વર્ષની કેદ અને રૂ. ૫.૨૦ લાખના દંડની સજા ફટકારવામાં આવી છે. દંડમાંથી મળેલ રકમ પીડિતાને વળતર રૂપે આપવા દાખલારૂપ ચુકાદો આપ્યો છે.









