મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક ડો. દેવેન રબારીએ દિવાળીની રાત્રે શહેરના સફાઈ કર્મયોગીઓની નિઃસ્વાર્થ સેવાને બિરદાવતા ભેટ-સોગાદ આપીને તેમનું સન્માન કર્યું હતું. સમાજસેવાની ભરપૂર ભાવનાની આ પહેલ દ્વારા તેમણે સફાઈ કર્મયોગીઓને “અદૃશ્ય હીરો” ગણાવી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
મોરબી શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે રાત-દિવસ સતત મહેનત કરતા સફાઈ કર્મચારીઓના સમર્પણને સન્માન આપવા, યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક ડો. દેવેનભાઈ રબારીએ દિવાળીની રાત્રે એક અનોખી પહેલ હાથ ધરી હતી. તેમણે શહેરના સફાઈ કર્મયોગીઓને વ્યક્તિગત રીતે મળી, તેમની નિષ્ઠા અને મહેનત બદલ આભાર માન્યો અને ભેટ-સોગાદ અર્પણ કરી તેમની સેવાને બિરદાવી હતી. ત્યારે ડો.દેવેનભાઈએ જણાવ્યું કે, સફાઈ કર્મયોગીઓ આપણા સમાજના સાચા કર્મયોગી છે. તેઓના કારણે જ શહેર ઉત્સવના દીવડાઓ જેટલું ચમકે છે. આ ભેટ-સોગાદ માત્ર એક પ્રતીક છે, પરંતુ તેની પાછળની લાગણી આપણા સમાજની આભારીતાની છે.
દિવાળીની ઉજવણી દરમિયાન જ્યારે મોટાભાગના લોકો પોતાના પરિવારો સાથે આનંદ માણતા હોય છે, ત્યારે સફાઈ કર્મચારીઓ શહેરની સેવા માટે અવિરત કાર્યરત રહે છે. એવા સમયે તેમની મહેનત અને સમર્પણને માન આપવાનું પોતાનું કર્તવ્ય ગણાવ્યું હતું. સફાઈ કર્મચારીઓએ આ પહેલ બદલ આનંદ વ્યક્ત કરતાં કહ્યું, અમારા જેવા સામાન્ય કામદારોનું આ રીતે સન્માન થાય એ અમને ગૌરવની લાગણી આપે છે અને આગળ વધુ ઉત્સાહથી સેવા આપવા પ્રેરણા આપે છે. યંગ ઇન્ડિયા ગ્રુપની આ માનવીય પહેલ “સર્વ જન હિતાય, સર્વ જન સુખાય”ની વિચારધારાને પ્રતિબિંબિત કરે છે. આ પ્રસંગે સમાજના તમામ વર્ગોને એકબીજાના યોગદાનને માન આપવાની અને માનવતાના દીવા પ્રગટાવવાની અપીલ કરી હતી.