મોરબીમાં હાલ અસામાજિકતત્વો દ્વારા આતંક મચાવ્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં વ્યવસાયે વકીલાત કરતા આધેડે પોતાની ફાસ્ટફૂડની દુકાનમાં કામ કરતા શખ્સને ચાર માસની મુદતે હાથ ઉછીના રૂ.૪.૨૭ લાખ આપ્યા હોય જે મુદત પૂરી થતા રૂપિયા પરત માંગતા જેનો ખાર રાખી ચાર શખ્સો દ્વારા વકીલ ઉપર ધોકા તથા પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ચારેય શખ્સો ચાલ્યા ગયા હતા. ત્યારે સિવિલમાં સારવાર હેઠળ રહેલા ભોગ બનનાર વકીલ દ્વારા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ, મોરબી રવાપર રોડ ધરતી ટાવર ફ્લેટ નં.૪૦૧ બોની પાર્કમાં રહેતા વ્યવસાયે વકીલ વિજયભાઈ કેશવજીભાઈ સરડવા ઉવ.૪૯ એ સિવિલ હોસ્પિટલના બિછાનેથી સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ આરોપી રફીક નૂરમામદભાઈ સિપાઈ, મકબુલ, સાહિલ તથા એક અજાણ્યો ઈસમ એમ ચાર વિરુદ્ધ માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી બાબતે ફરિયાદ નોંધાવી છે. જેમાં વિજયભાઈને ચાર વર્ષ પહેલાં રવાપર રોડ ઉપર બાલાજી ફાસ્ટફૂડની દુકાન હોય જે ચાર માસ પૂર્વે જ બંધ કરી હાલ વિજયભાઈ મહેન્દ્રનગર ચોકડી શુભ કોર્પોરેટર હબમાં પોતાની બાલાજી ઓનલાઇન નામની દુકાનમાં ઓનલાઇન ફોર્મ અને ઝેરોક્ષનું કામ કરતા હોય ત્યારે અગાઉ ફાસ્ટફૂડની દુકાનમાં કામ કરતો આરોપી રફીકે વિજયભાઈ પાસેથી હાથ ઉછીના અલગ અલગ ટાઈમે ૪.૨૭ લાખ રૂપિયા ચાર માસની મુદતે લીધા હોય જે રૂપિયાના બદલે વિજયભાઈએ સિકયુરિટી માટે ૮ કોરા ચેક લીધા હોય, ચાર માસની મુદત પૂર્ણ થતા વિજયભાઈએ પોતે આપેલ હાથ ઉછીના રૂપિયા પરત માંગતા આરોપી રફીકને સારું નહિ લાગતા અને લીધેલ રૂપિયા પાછા ન આપવા આરોપી રફીકે તેની સાથે અન્ય ત્રણ શખ્સોને સાથે રાખી વિજયભાઈની મહેન્દ્રનગર ચોકડી ખાતે શુભ કોર્પોરેટ હબ ખાતેની દુકાને જઈ વિજયભાઈને ગાળો આપી તેને ધોકા અને લાઈપથી ચારેય આરોપીઓએ માર માર્યો હતો, ત્યારે બુમાબુમ થતા આજુબાજુથી લોકો એકઠા થઈ જતા, આ ચારેય આરોપીઓ વિજયભાઈને કહેલ કે હવે પછી પૈસા માંગીશ તો જાનથી મારી નાખીશ જે મુજબની ધમકી આપી જતા રહ્યા હતા. હાલ સીટી એ ડિવિઝન પોલીસે વિજયભાઈ ફરિયાદને આધારે ઉપરોક્ત ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.