મોરબી જીલ્લા જી.આર.ડી. અધિકારીએ મહિલા જી.આર.ડી કર્મચારી ફરજ ઉપર ગેરહાજર રહેતા તેમની ગેરહાજરી મૂકી હતી, જેથી મહિલા કર્મચારીના ભાઈ દ્વારા જી.આર.ડી. અધિકારીને ફોન કરી અપશબ્દો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારે સમગ્ર બનાવ અંગે જી.આર.ડી. અધિકારી દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફરીયાદી વિપુલભાઈ રમેશભાઈ ગણેશીયા (ઉવ.૩૨), જેઓ જી.આર.ડી. જીલ્લા માનદ અધિકારી તરીકે ફરજ બજાવે છે, તેમની ફરિયાદ આધારે આરોપી સજુભા દિલુભા રાઠોડ વિરુદ્ધ પોલીસે બી.એન.એસ. કલમ ૩૫૧(૪), ૩૫૨, ૨૨૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરીયાદ અનુસાર, આરોપી સજુભા રાઠોડની બહેન રીટાબેન, જે જી.આર.ડી. કર્મચારી છે, તેઓ ફરજ પર ગેરહાજર રહેતા હતા. જેના કારણે તેમની ગેરહાજરી નોંધવામાં આવી હતી, આ અંગે આરોપી સજુભા રાઠોડે રીટાબેનના ફોનમાંથી કોલ કરી ફરીયાદીને ગાળો આપી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.હાલ પોલીસે આરોપીની અટકાયત કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.