મોરબી શહેરમાં અનેક વાહનચાલકોનાં નામે ચડત ઈ-મેમો બોલી રહ્યા છે. ત્યારે આવા બાકીદારો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. અને ઉઘરાણીની રકમ વસૂલવા માટે કોર્ટનું શરણું લેવાનો નિર્ણય કરાયો છે. જે અંતર્ગત ઇ-ચલણોનાં કુલ- ૩૩૬૯ કેસ આગામી તા.૧૧/૨/૨૦૨૩ ના રોજ યોજાનાર લોકઅદાલતમાં મુકવામાં આવશે.
મળતી માહિતી અનુસાર, મોરબી શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઇ તેમજ નાગરીકો ટ્રાફીક નિયમોનું પાલન કરે તે હેતુથી મોરબી શહેરમાં લાગેલ સીસીટીવી કેમેરા મારફતે ટ્રાફીક નિયમોનો ભંગ કરતા લોકોને ઇ-ચલણ ઇશ્યુ કરવામાં આવે છે. મોરબી જિલ્લા ખાતે ટ્રાફીક નિયમ ભંગ બદલ ઇસ્યૂ કરાયેલ ઇ-ચલણો પૈકી ભરપાઇ ન થયેલ ઇ-ચલણોનાં કુલ- ૩૩૬૯ કેસ આગામી તા.૧૧/૨/૨૦૨૩ ના રોજ યોજાનાર લોકઅદાલતમાં મુકવામાં આવેલ છે. જે સંદર્ભે નામદાર લીગલ કોર્ટ દ્વારા નોટીસની બજવણી થયેલ છે. આ લોકઅદાલત બાદ પણ જો કોઇ મેમો ભરશે નહી તો તેના વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરાશે. જેથી આપનું ઇ-ચલણ ભરવાનું બાકી હોય તો તારીખ ૧૧-૦૨-૨૦૨૩ પહેલા ટ્રાફીક શાખા રૂમ નં-૧૧, પોલીસ અધિક્ષકની કચેરી, જીલ્લા સેવા, શનાળા પોલીસ ચોકી, ઉપરના માળે, છોટાલાલ પેટ્રોલ પંપ ની બાજુમાં, શનાળા રોડ, મોરબી-૧ ખાતે તથા સદન કેમ્પસ, સો-ઓરડી સામે, મોરબી-ર ઓનલાઇન ઈ-ચલણ ચેક કરવા અને ભરવા માટે પ્લે સ્ટોર પરથી VISWAG નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી શકો છો અથવા https://ethalanpayment.Gujarat.pc.in વેબસાઇટ પરથી ભરી શકો છો. તેમ ટ્રાફિક પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું…