મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વ્યાજના રૂપિયાની ઉઘરાણી મામલે વ્યાજખોર સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જે મામલે આરોપી વ્યાજખોર દ્વારા તે બાબતનું મનદુઃખ રાખી યુવાનને ફોનમાં ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારે પીડિત યુવાન દ્વારા ફરી વ્યાજખોર સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નાની કેનાલ રોડ ઉપર આવેલ અવધ-૪ શેરી નં.૭ માં રહેતા ગૌરવભાઇ દલસુખભાઇ કાવર ઉવ.૨૫ એ અત્રેના પોલીસ મથકમાં આરોપી ભરત ઉર્ફે બી.કે.બોરીચા રહે.બોરીચાવાસ લીલાપર રોડ મોરબીવાળા વિરુદ્ધ ફરિયફ નોંધાવી છે કે, અગાઉ ગૌરવભાઈએ આરોપી પાસેથી વ્યાજે રૂપીયા લીધા હતા, જેમાંથી અડધા પરત કર્યા બાદ પણ આરોપી સતત વધુ રકમની માગણી કરતો હતો. ત્યારે ફરીયાદીએ આરોપી વિરુદ્ધ અગાઉ વ્યાજવટાવની ફરિયાદ નોંધાવી હોવાથી આરોપી ભરત ઉર્ફે બી.કે. એ તેનો ખાર રાખી ગૌરવભાઈને ફોન પર અપશબ્દો કહ્યા અને ધમકી આપી કે જો તું રૂપીયા પરત નહીં આપે તો તને જાનથી મારી નાખીશ. સમગ્ર બનાવ મામલે એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.