મોરબીના વતનીએ બાયપાસ સર્જરી બાદ વીમા કંપનીએ રેપ્યુડ લેટર આપી ક્લેમ નામંજુર કરતા મામલો ગ્રાહક અદાલતમાં પહોંચ્યો હતો. નામદાર અદાલતે વીમા કંપનીને સેવામાં ખામી બદલ રૂ.૪.૧૯ લાખ ૬% વ્યાજ સાથે તથા રૂ. ૫ હજાર ખર્ચ ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ચુકાદો ગ્રાહકોના હક્કોની રક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
મોરબીના વતની રાજેશભાઈ હર્ષદભાઈ હીરાણીએ આદિત્ય બીરલા કેપિટલ હેલ્થ ઈન્સ્યુરન્સ પ્રા. લી.નો મેડિકલ વીમો લીધો હતો. તેઓ નિયમિત રીતે વીમાનું પ્રીમિયમ ભરતા હતા. દરમિયાન છાતીમાં તીવ્ર દુઃખાવો થતા તેમને ગુજરાતની નામાંકિત એપીક મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં નિષ્ણાત ડોક્ટર દ્વારા બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. ચાર દિવસની સારવાર દરમિયાન કુલ રૂ.૪,૧૯,૩૪૬/- જેટલો ખર્ચ થયો હતો. સારવાર પૂર્ણ થયા બાદ રાજેશભાઈ દ્વારા વીમા કંપનીને તમામ જરૂરી દસ્તાવેજો, બિલો તથા સારવાર સંબંધિત કાગળો રજુ કરવામાં આવ્યા હતા. તેમ છતાં વીમા કંપનીએ “રેપ્યુડ લેટર”ના બહાને વીમો ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. આ નિર્ણયથી અસંતોષ અનુભવી રાજેશભાઈએ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો.
કેસની સુનાવણી દરમિયાન નામદાર અદાલતે સ્પષ્ટ નોંધ્યું હતું કે વીમા કંપની દ્વારા ક્લેમ નામંજુર કરવો એ સેવામાં ખામી સમાન છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સંદર્ભ આપતાં અદાલતે જણાવ્યું હતું કે માત્ર રેપ્યુડ લેટરના આધારે વીમો નામંજુર કરી શકાય નહીં. આ આધારે અદાલતે આદિત્ય બીરલા હેલ્થ ઈન્સ્યુરન્સ પ્રા. લી.ને રાજેશભાઈ હીરાણીના સારવાર ખર્ચ રૂ.૪,૧૯,૩૪૬/- તા. ૨૨ જુલાઈ ૨૦૨૫થી ૬ ટકા વ્યાજ સાથે ચૂકવવાનો તેમજ રૂ. ૫,૦૦૦/- ખર્ચ ચુકવવાનો આદેશ કર્યો છે. આ ચુકાદા બાદ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગ્રાહકે પોતાના હક્કો માટે લડવું જરૂરી છે અને વીમા જેવી સેવાઓમાં અન્યાય થાય તો કાયદાકીય માર્ગ અપનાવવો જોઈએ.









