મોરબીના ઘુંટુ ગામે આંબેડકરનગરમાં રહેતા પરિવારના સભ્યો ઘરમાં અંદરો અંદર થયેલ બોલાચાલીમાં એકબીજાને જોર જોરથી ગાળો આપતા હોય ત્યારે પડોશમાં રહેતા યુવકે ગાળો કેમ બોલો છો કહી ઘરના વડીલ વૃદ્ધ ઉપર ધોકા વડે હુમલો કરી જાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. ત્યારે છોડાવવા વચ્ચે પડેલ વૃદ્ધના પત્નીને ધક્કો મારી પછાડી દઈ નાકમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચડી હતી. સમગ્ર બનાવ બાબતે વૃદ્ધ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરવા સહિતની કામગીરી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના ઘુંટુ ગામે આંબેડકરનગરમાં રહેતા દેવજીભાઇ માલાભાઇ વોરા ઉવ-૬૦ પોતાના ઘરમાં તેમની પત્ની ગીતાબેન તથા તેમના બંને પુત્રો સાથે હાજર હોય ત્યારે દેવજીભાઈના બંને પુત્રો દેવજીભાઈ અને તેમની પત્ની સાથે બોલાચાલી કરી જોર જોરથી અપશબ્દો બોલતા હોય જે બાબતે દિવજીભાઈની પડોશમાં રહેતા કિશનભાઈને સારું નહીં લાગતા લાકડાનો ધોક્કો લઇને આવી અને દેવજીભાઈને કહેવા લાગેલ કે, તમો ગાળો કેમ બોલો છો ? તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ જેથી ગાળો દેવાની ના પાડતા કિશનભાઈએ એકદમ ઉશ્કેરાઇ જઇને લાકડાના ધોકાથી દેવજીભાઈને હાથમાં અને આંખ પાસે મુઢ ઇજા પહોચાડી હતી ત્યારે છોડાવવા વચ્ચે પડેલ ગીતાબેનને ધક્કો મારી નીચે પછાડી દઇ નાકના ભાગે ફેકચર જેવી ઇજા પહોચાડી કિશનભાઈએ ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી સ્થળ ઉપરથી ચાલ્યો ગયો હતો. બનાવ મામલે ભોગ બનનાર દેવજીભાઈ માલાભાઈ વોરાએ તાલુકા પોલીસ મથકમાં કિશનભાઈ વિનુભાઈ કોળી રહે. ઘુંટુ ગામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.