હત્યાના ગુનામાં સંડોવાયેલ બીજા શ્રમિકને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યો
મોરબી જીલ્લાના માળીયા(મી) તાલુકામાં આવેલ ખાખરેચી ગામે વર્ષ ૨૦૧૪ માં પોતાના ખેતરે આંટો મારવા આવેલ ખેતર માલિકને તેના ખેતરમાં કામ કરતા બે ખેતશ્રમીક દ્વારા હાથમાં પહેરેલ સોનાની બે વિટી તથા મોબાઇલની લૂટ કરી તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઇજા પહોંચાડી નિર્મમ હત્યા નીપજાવવાના ગુનામાં મોરબી સેશન્સ કોર્ટ દ્વારા એક ખેત શ્રમિકને દસ્તાવેજી તથા મૌખિક પુરાવાને આધારે દોષિત જાહેર કરી આજીવન કેદ તથા દંડની સજા ફરમાવવામાં આવી છે જ્યારે બીજા ખેત શ્રમિકને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે.
ઉપરોક્ત કેસની પ્રાપ્ત વિગત મુજબ માળીયા(મી)ના ખાખરેચી ગામે ગોદામ બાજુમાં રહેતા મૃતક રમેશભાઇ શંકરભાઈ સંખેસરીયાનું ખેતર ખાખરેચી ગામની સીમમાં આવેલ છે જેમાં આરોપી પંકજભાઈ ડામોર રહે. દાહોદ જીલ્લાના સંજેલી ગામ તેની પત્ની સાથે ખેતરની ઓરડીમાં રહી ખેત મજૂરી કરતા હોય ત્યારે આરોપી પંકજભાઈની પત્નીને પ્રસૃતીનો સમય આવતા તે તેના વતનમાં ચાલી ગઈ હતી. બીજીબાજુ ખેતરમાં કામ કરવા પંકજભાઇનો મિત્ર કાળુ વરસિંગ કટારા રહે.ગોધરા જીલ્લાના બતકવાડા ગામવાળો આવેલ હોય ત્યારે ગત તા.૧૭ ઓક્ટોબર ૨૦૧૪ ના રાત્રીના ખેતર માલિક રમેશભાઇ સંખેસરીયા પોતાના ખેતરે આંટો મારવા ગયા હતા તે સમયે આરોપીઓએ રમેશભાઈને માથામાં તથા શરીરે તીક્ષ્ણ હથિયારના ઘા મારી રમેશભાઈએ પહેરેલ બે સોનાની વીટી તથા મોબાઇલની લૂટ ચલાવી બંને આરોપીઓ ભાગી ગયા હતા. બીજીબાજુ તીક્ષ્ણ હથિયારના ઘા દ્વારા ઇજા પહોંચેલ રમેશભાઈનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. હત્યાના બનાવ અંગે મૃતકના ભત્રીજા જીતેન્દ્રભાઈ લાભુભાઈ સંખેસરીયા દ્વારા બંને આરોપી પંકજભાઈ ડામોર તથા કાળુ વરસિંગ કટારા સામે માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીની અટકાયત કરી નામદાર કોર્ટ હવાલે કર્યા હતા.
વર્ષ ૨૦૧૪માં બનેલ હત્યાના બનાવનો કેસ મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા ૧૭ મૌખિક પુરાવા તથા ૨૭ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઇ તેમજ સરકાર તરફના વકીલ વિજયભાઈ જાનીની કાયદાકીય દલીલોને ગ્રાહ્ય રાખી મોરબી સેશન્સ કોર્ટના જજસાહેબ દ્વારા હત્યાના આરોપી પંકજભાઈ બહાદુરભાઈ ડામોરને આજીવન કેદ તથા રૂ.૧૦ હજારના દંડની સજા ફટકારવામાં આવી છે. જ્યારે હત્યાના ગુનામાં સંડોવાયેલ બીજો આરોપી દિલીપ ઉર્ફે કાળુ વરસીંગ કટારાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા આદેશ કરવામાં આવ્યો છે.