ગત 5 ડિસેમ્બરે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની જયપુરમાં બે હુમલાખોરોએ તેમને તેમના જ ઘરમાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી, આ પછી મર્ડર કેસ મામલો ગરમાયો હતો અને દેશભરમાં કરણી સેના દ્વારા આવેદન પાઠવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે મોરબી ક્ષત્રિય સમાજ દ્વારા અને હિન્દુ સંગઠન દ્વારા આજે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી આરોપીઓને તાત્કાલિક પકડી પાડી કડકમાં કડક સજા કરવા માંગ કરી હતી.

મોરબી ક્ષત્રિય સમાજ દ્વારા તેમજ હિન્દુ સંગઠન દ્વારા પાઠવાયેલ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્રને આઘાત આપનારી સ્વ. સુખદેવસિંહ ગોગામેડીની નિર્મમ હત્યાએ ફકત રાજપૂત કરણી સેના જ નહી પરંતુ જાહેર જીવનમાં અગ્રેસર એવા તમામ આગેવાનોની સલામતી અંગે પ્રશ્નાર્થ ઉપસ્થિત કરે છે. ત્યારે સ્વ.સુખદેવસિંહ ગોગામેડીના હત્યારાઓને ગીરફતાર કરી સત્વરે કડક સજા કરવામાં આવે તેમજ ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે કાયમી ધોરણે નિશ્ચીત કાર્યવાહી કરવામાં આવે તેવી મોરબી ક્ષત્રિય સમાજ દ્વારા વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા મોરબી જિલ્લા કલેક્ટર સમક્ષ માંગ કરી છે. તેમજ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જો આ રીતે હત્યાઓનો સિલસિલો યથાવત રહે, તો ભવિષ્યમાં જાહેર જીવનમાં પ્રજા માટે કામ કરનારા જાંબાઝ આગેવાનોની સલામતી કેટલી એ પ્રશ્ન સમગ્ર રાષ્ટ્રને ઉદભવે છે. જનતાનો રોષ આંદોલનનું સ્વરૂપ ન લે તે માટે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. અને આરોપીઓના એન્કાઉન્ટર કરો અને જો ન્યાય નહિ મળે તો અમે પણ હથિયાર ઉપાડિશું તેવી મોરબી ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી હતી.









