મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપમાં આવેલ શોપિંગ કોમ્પ્લેક્ષમાં દુકાન ભાડે રાખી આશરે દોઢ વર્ષથી ભાડાની ચુકવણી ન કરી અનેકો વખત દુકાન ખાલી કરવાનું કહેવા છતાં ગેરકાયદેસર કબ્જો રાખી દુકાનમાં વપરાશ ચાલુ રાખનાર સામે દુકાન માલીક દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ વિદ્યુતનગર સોસાયટીમાં રહેતા કૌશિકભાઈ શાંતિભાઈ અમૃતિયા ઉવ.૩૩ એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ભુપેન્દ્રભાઈ સવજીભાઈ જેતપરીયા રહે.મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે કૌશિકભાઈએ મોરબી-૨ ઉમા ટાઉનશીપમાં બનાવેલ ડી-શોપીંગમા આવેલ દુકાન નં-ડી-૧૪ જે ૧૯.૫૦ સ્ક્વેર મીટરની દુકાન આરોપી ભુપેન્દ્રભાઈ જેતપરીયાએ ભાડે રાખેલ હોય જે દુકાનનું માર્ચ-૨૦૨૩ સુધી ભાડુ આપેલ બાદ કોઇ ભાડુ આપેલ નહી અને આ દુકાન નં-ડી-૧૪ અનેકો વખત ખાલી કરવાનું કહેતા ખાલી પણ નહીં કરી દુકાનમાં ગેરકાયદેસર કબ્જો ચાલુ રાખી, દુકાન પચાવી પાડી હાલમા પણ વપરાશ કરતા હોય જે મુજબની ફરિયાદને આધારે પોલીસે આરોપી સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.