અધિક પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ તરફથી નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ સમગ્ર રાજયમાં તા.૧૦/૦૭/૨૦૨૩ થી તા.૩૦/૦૭/૨૦૨૩ સુધી ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કામગીરી કરતા દરમિયાન મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા હળવદ પોલીસ સ્ટેશનના ખનીજ ચોરીના ગુનામાં છેલ્લા ૪ માસથી નાસતા ફરતા આરોપીને તેના ઘર પાસેથી જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, નાસતા ફરતા આરોપીને પકડવા યોજાયેલ ખાસ ઝુંબેશ અંતર્ગત કામગીરી અસરકારક રીતે કરવા સારૂ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી એલ.સી.બી. પી.આઇ. ડી.એમ. ઢોલને જરૂરી સુચના કરતા તેઓના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે.જે. ચૌહાણ તથા એન.એચ. ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લોસ્કોડ મોરબીના સ્ટાફના માણસો કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન તેઓને ખાનગી રાહે હકિકત મળેલ કે, હળવદ પોલીસ સ્ટેશનના ખનીજ ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી હઠીસંગ ભુપતભાઇ ટાંક (રહે કળમાદ તા.મુળી જીસુરેન્દ્રનગર) તેના રહેણાંક મકાન પાસે રહેલ દુકાન પાસે બેઠેલ છે. જે હકીકતના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા નાસતો ફરતો આરોપી હઠીસંગ ભુપતભાઇ ટાંક મળી આવતા તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને સોપી આપવામાં આવેલ છે.