બોગસ દસ્તાવેજ બનાવવાના ગુનામાં નાસતા ફરતા આરોપીને સુરતથી પકડી પાડતી મોરબી એલ.સી.બી.
પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે સમગ્ર રાજયમાં ખાસ ઝુંબેશ રાખવામાં આવી છે. જેને લઇ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લાના ગુનાઓમાં સંડલોવાયેલ વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે પોલીસ બેડાને સુચના આપેલ છે. જેને લઈ પેરોલ ફર્લો સ્કવોડ / એલ.સી.બી. મોરબીએ વિશ્વાસઘાત તથા જમીનના બોગસ દસ્તાવેજ બનાવવાના ગુનામાં પાંચેક માસથી નાસતા ફરતા આરોપીને સુરત ખાતેથી પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાને લઇ એન.એચ.ચુડાસમા મોરબી એલ.સી.બી. PIના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતી, જે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિશ્વાસઘાત તથા જમીનના બોગસ દસ્તાવેજ બનાવવાના ગુનામાં નાસતો ફરતો આરોપી વિનોદભાઇ તળશીભાઇ અઘારા સુરત ખાતે છે. જે ચોક્કસ હકિકત આધારે એલ.સી.બી./પેરોલ-ફર્લો સ્ટાફના માણસોએ ટીમ બનાવી સુરત ખાતે તપાસ કરતા આરોપી વિનોદભાઇ તળશીભાઇ અઘારા મળી આવતા ઇસમને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને સોપવામાં આવ્યો છે.