રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. મુકેશ પટેલે મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન મોરબી એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત/છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્ક્વોડને બાતમી મળી હતી કે, ભાવનગર જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત/છેતરપીંડીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી નાસીરઅલી અમીરઅલી ધારાણી (રહે.૫૦૩,પુજન હાઇટ્સ દાઉદી પ્લોટ શેરી નં-ર મોરબી) હાલે પુજન હાઇટ્સ ફલેટ નં -૧૦૨ ખાતે આવેલ છે. જે બાતમીના આધારે પોલીસે તુરંત જ તપાસ કરતા નાસતો ફરતો આરોપી નાસીરઅલી અમીરઅલી ધારાણી મળી આવ્યો હતો. જેને પોલીસે પકડી પાડી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સોપી આપવા તજવીજ હાથ ધરી છે.