રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં ચોરી છુપીથી ચાલતી ગેર કાયદેસર પ્રવૃતિ અંગે માહિતી મેળવી તેને અટકાવી કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્દઢ બનાવવા સૂચનો કરતા મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમે હળવદ તાલુકાના ટીકર ગામ પાસે બ્રાહ્મણી નદીમાંથી ત્રણ હિટાચી તથા બે હોડકા દ્વારા ગેર કાયદેસર રેતી ખનીજનું ખનન તથા વહન કરતા ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમ હળવદ પોલીસ સ્ટેશનના ટીકર આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન ટીકર નજીક બ્રાહ્મણી નદીમાં અમુક ઇસમો ગેર કાયદેસર રીતે હિટાચી તથા હોડકા મારફતે રેતીનું ખનન કરવાનું કાર્ય કરતા જોવામાં આવતા તુરત જ આ બાબતે પોલીસ સ્ટાફ દ્વારા નદીના પટમાંથી ત્રણ હિટાચી મશીન તથા બે હોડકા રોકેલ અને આ બાબતે હાજર મળી આવેલ ઇસમોની પુછપરછ કરતા તેઓ પાસે રેતી ખનન તથા વહન કરવા અંગેના આધાર પુરાવા માંગતા રોયલ્ટી પાસ કે લીઝ ન હોવાનું જણાવતા આ અંગે આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ ભૂસ્તરશાસ્ત્રી ખાણ અને ખનીજ વિભાગ મોરબીને જાણ કરી આગળની કાર્યવાહી અર્થે તેઓને ઉપરોકત મળી આવેલ ત્રણ હિટાચી તથા બે હોડકા સોપવામાં આવેલ જે અંગેની આગળની ઘટતી કાર્યવાહી ભૂસ્તરશાસ્ત્રી ખાણ અને ખનીજ વિભાગ મોરબીના દ્વારા હાથ ધરેલ છે.