મોરબીમાં શનાળા રોડ ઉપર એચ.આર. ટુર્સ એન્ડ ફોરેન્સ નામની પેઢી ચલાવતા રાજકોટના ટ્રાવેલ એજન્ટ દ્વારા મોરબીના અનેક લોકો સાથે છેતરપિંડી થયાનું સામે આવ્યું છે, જેમાં
શહેરના રવાપર વિસ્તારમાં રહેતા કારખાનેદાર અને તેના મિત્રોએ વિયેતનામ દેશમાં ફેમીલી સાથે પ્રવાસે જવાની એર ટિકિટ બુક કરાવી હતી ત્યારે ટ્રાવેલ એજન્ટે બનાવટી એર ટીકીટ આપી કુલ રૂ. ૧૫.૪૭ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ અત્રેના પોલીસ મથકમાં નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મોરબીના રવાપર ગામે મારુતિનગર એપાર્ટમેન્ટ બ્લોક નં.૬૦૨ માં રહેતા નીકુંજભાઈ દિનેશભાઈ પનારાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં શનાળા રોડ ઉપર આવેલી એચ.આર. ટૂર્સ એન્ડ ફોરેક્સ ઓફીસ ધરાવતા હેનીલ હિતેશભાઈ રાઠોડ રહે. પ્રશાંત શેરી કરણપરા-૧૮ કેશરીયા વાડી રાજકોટ વાળા વિરુદ્ધ નોંધાવી છે, જે ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદી નિકુંજભાઈ તથા તેમના બે મિત્રો પરિવાર સાથે વિયેતનામ પ્રવાસે જવાનું નક્કી કરી તા ૨૬/૧૦ ના રોજ શનાળા રોડ પર આવેલી એચ.આર. ટૂર્સ એન્ડ ફોરેક્સની ઓફિસે ગયા હતા. ત્યાં આરોપી હેનીલ હિતેશભાઈ રાઠોડે પ્રતિ વ્યક્તિ રૂ. ૧.૬૦ લાખ મુજબ કુલ રૂ. ૯.૬૦ લાખમાં એર ટિકિટ બુક કરી આપવાનો વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ નીકુંજભાઈ અને તેમના મિત્રોએ બેંક ટ્રાન્સફર તથા રોકડ મળી કુલ રૂ. ૯.૨૦ લાખ તેમજ બાદમાં વધુ રૂ. ૪ લાખ ચૂકવ્યા હતા. આરોપીએ ટિકિટ કન્ફર્મ થયાની વાત કરી વોટ્સએપ પર ટિકિટ મોકલી હતી. પરંતુ એરલાઇનની વેબસાઈટ પર તપાસ કરતા ટિકિટ ખોટી હોવાનું બહાર આવ્યું અને આરોપીનો મોબાઈલ પણ બંધ આવવા લાગ્યો. તપાસ દરમિયાન અન્ય ગ્રાહકો સાથે પણ આવી જ છેતરપિંડી થયાની વાત સામે આવી હતી. આ રીતે આરોપીએ કુલ રૂ. ૧૫,૪૭,૦૦૦/-ની છેતરપિંડી કર્યા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા તપાસની તજવીજ શરૂ કરી છે.









